કોરોના વાયરસ ની મહામારી વચ્ચે વેપાર-ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. પરંતુ શહેરના અનેક પોલીસ સ્ટેશનના વહીવટદારોની કમાણીની રોકડી તો ચાલી જ રહી છે. વાત છે શહેરના પોષ વિસ્તારમાં આવેલા ત્રણ પોલીસ સ્ટેશનોની કે તેમાનું એક પોલીસ સ્ટેશન એવું છે કે જેની હદમાં ઘણી કોર્પોરેટ ઓફિસ તથા મૉલ-મલ્ટીપ્લેક્સ થિયેટર આવેલા છે. જ્યારે બીજા પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેની હદમાં ઘણી મીઠાઈની મોટી મોટી દુકાનો તથા જ્વેલર્સના મોટા શૉરૂમ આવેલા છે. ત્રીજા પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો તેની હદમાં ટ્રાવેલ્સનું મોટું જંક્શન આવેલું છે, સાથે સાથે જ ઘણા જ સારા દવાખાના તથા ખાણી-પીણીનું પ્રખ્યાત બજાર પણ આવેલું છે. આ ત્રણેય પોલીસ સ્ટેશનોના વહીવટદારોના લૉકડાઉનની અસરના પગલે ખિસ્સા ખાલી થઇ ગયા છે.
તમામ વહીવટ બંધ થઇ ગયા છે ત્યારે આ ત્રણેય પોલીસ સ્ટેશનના વહીવટદારોએ આવા કપરા સમયમાં પણ કમાણીના સ્ત્રોત શોધી કાઢ્યા છે. લોકડાઉન પાર્ટ-2 બાદ આ ત્રણેય પોલીસ સ્ટેશના વહીવટદારોએ પોતાની કમાણી માટે પોતના જ પોલીસકર્મીઓ પાસેથી કમાણી શરુ કરી દીધી છે. શહેરના પશ્ચિમ વિસ્તારના મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશન અને બાદમાં પશ્ચિમ વિસ્તાર પાસે આવેલા સરખેજ ગાંધીનગર હાઇવે એટલ કે તેની બિલકુલ નજીક આવેલ પોલીસ સ્ટેશનના વહીવટદારે લૉકડાઉન પાર્ટ-2 માં પોલીસ કર્મીઓને જમવા માટે મળતા 150 રૂપિયાના ભથ્થાનું એવું તો સેટિંગ પાડ્યું કે કોઈને ગંધ પણ ન આવે. આ વહીવટદારે પોતાની બુદ્ધિ વાપરી અને પોલીસને મળતા ભોજન ભથ્થા માટે થઈને શહેરની એક પ્રસિદ્ધ હોટલમાંથી ફૂડ પેકટની વ્યવસ્થા કરાવી દીધી હતી. ત્યારબાદ બિલની રકમમાં વધારો કરી સરકારમાં બીલ પાસ કરાવી દેવાનો આ કીમિયો અપનાવ્યો છે. એટલે સીધી ભાષામાં વાત કરીએ તો 150 રૂપિયાના ફૂડના હોટલ માલીકને ક્યારેક ઓછા રૂપિયા ચૂકવાય છે અને ક્યારેક પૂરા ચૂકવાય છે, પરંતુ હોટલ પાસેથી બિલ તો રૂપિયા 150 કરતા વધારે જ બનાવવામાં આવે છે.