Ahmedadbad international plane crash investigation: બોઇંગ કંપનીએ ટેકનિકલ સહાય માટે અમદાવાદ મોકલી નિષ્ણાતોની ટીમ
Ahmedadbad international plane crash investigation: એર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ AI-171ની તપાસ હવે માત્ર રાષ્ટ્રીય સ્તરે નહિ, પરંતુ વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે. પ્લેન બનાવનારી કંપની બોઇંગની નિષ્ણાતોની ટીમ અત્યાર સુધીના ટેકનિકલ તથ્યોને સાંકળવા માટે અમદાવાદ આવી પહોંચી છે. હવે એવિએશન ક્ષેત્રની વિશ્વભરની અગત્યની એજન્સીઓ, જેમ કે NTSB (અમેરિકા), FAA, તેમજ ભારતીય સંસ્થાઓ – AAIB, ATS અને FSL –એ દ્રઢ અને સંયુક્ત તપાસ શરૂ કરી છે.
AAIB દ્વારા શરુઆતથી સક્રિય તપાસ
13 જૂન, 2025ના રોજ જ ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ વિમાન દુર્ઘટનાની સત્તાવાર તપાસ શરૂ કરી દેવાઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પત્રકારોને જણાવ્યું કે આ સમગ્ર તપાસ ICAOના Annex-13 આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ પારદર્શક રીતે હાથ ધરાશે.
ટેકનિકલ સપોર્ટ માટે ‘બોઇંગ’ના નિષ્ણાતો અમદાવાદમાં
ક્રેશ થયેલું વિમાન 787-8 Dreamliner હતું – જેને અમેરિકન વિમાનોની દિગ્ગજ નિર્માતા કંપની બોઇંગે બનાવ્યું છે. આ કારણે બોઇંગના એવિએશન ઈજનેરો અને ટેકનિકલ વિશ્લેષકોની ટીમ હાલ અમદાવાદમાં હાજર છે. તેઓ એરફ્રેમ ડિઝાઇન, મેન્ટેનન્સ લોગ્સ અને તમામ ટેકનિકલ સિસ્ટમોની ઊંડાણપૂર્વક છણાવટ કરશે.
બોઇંગે આ તપાસમાં પૂરતું સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે, “આ દુર્ઘટનામાં નુકસાન વેઠનારા તમામ લોકોને અમારી સહાનુભૂતિ છે, અને અમે દરેક રીતે સહયોગી રહીશું.”
અમેરિકાના NTSB અને FAA પણ તપાસમાં જોડાયા
અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ સ્પષ્ટતા કરી છે કે તેમની તપાસકર્તાઓની ટીમ પણ ગુજરાત આવી રહી છે અને ભારતના AAIB સાથે મળીને તમામ પાસાંઓનું વિશ્લેષણ કરશે. સાથે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) પણ ટેકનિકલ સહાય માટે NTSB સાથે સંકલનમાં કામ કરશે.
FAAએ જણાવ્યું કે, “વિદેશી દુર્ઘટનાઓમાં સ્થાનિક સરકાર તપાસનું નેતૃત્વ કરે છે, પરંતુ અમે NTSBના આમંત્રણ પર તરત સહાય મોકલીશું.”
અહમ વાત એ છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 53 બ્રિટિશ નાગરિકો પણ સવાર હતાં, તેથી યુકે સરકારે પણ તપાસમાં સહકાર આપવાનું જણાવી દીધું છે.
DVR સાબિતી ATS અને FSL દ્વારા વિશ્લેષણ હેઠળ
ગુજરાતની એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ક્રેશ સાઇટ પરથી ડિજિટલ વીડિયો રેકોર્ડર (DVR) કબજે કર્યો છે, જે હાલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યો છે. FSLની ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેમની તપાસ ચાલુ છે.
વધુ એજન્સીઓની સંકલિત કાર્યવાહી
હાલના તબક્કે, બોઇંગ, NTSB, FAA, AAIB, ATS અને FSL જેવી સંસ્થાઓ સંયુક્ત રીતે ક્રેશની મૂળભૂત ઊંચાઈ તપાસી રહી છે. આશા છે કે, આ સર્વગ્રાહી તપાસ દ્વારા દુર્ઘટનાના સાચા કારણો બહાર આવી શકશે અને ભવિષ્યમાં આવી શોકજનક ઘટનાઓ ટાળવા માટે સુનિશ્ચિત પગલાં લેવામાં આવશે.
તપાસ હજુ ચાલુ છે અને આવતા દિવસોમાં વધુ મહત્ત્વપૂર્ણ વિગતો જાહેર થવાની સંભાવના છે.