AI Soil Testing Device : કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ: ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિકે તૈયાર કર્યું એવું ડિવાઈસ કે જે માત્ર 10 સેકન્ડમાં માટીનું ટેસ્ટિંગ કરી શકે!
AI Soil Testing Device : ખેડૂતો માટે એક સારા સમાચાર છે! ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે એવી અનોખી ડિવાઈસ તૈયાર કરી છે કે જે માત્ર 10 સેકન્ડમાં જમીનની પોષક તત્વોની હાજરી અને ગુણવત્તા માપી શકે છે. જેમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપી ટેકનીકનો ઉપયોગ કરીને ખેડૂત ખેતરમાં બેઠા-બેઠા જમીનની સંપૂર્ણ તપાસ કરી શકે છે.
મોદીજીની વાતથી મળેલી પ્રેરણાથી શોધનો આરંભ
વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી મુલાકાત ડૉ. પટેલ માટે જીવન ફેરવી નાખે એવી સાબિત થઈ. મોદીએ તેમને જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિક, મારા ખેડૂત માટે કંઈક કરો.” આ શબ્દોએ તેમને પ્રેરણા આપી અને ત્યારથી તેમણે કૃષિ ટેકનોલોજી ક્ષેત્રે સંશોધનની નવી દિશા શરૂ કરી.
નવી ટેકનોલોજી ખેડૂતના હાથમાં
ડૉ. પટેલે તૈયાર કરેલું આ ડિવાઈસ કોઈ પણ સામાન્ય ખેડૂત સરળતાથી ઉપયોગમાં લઈ શકે છે. ટેકનીક એટલી સહેલી છે કે તેનો ઉપયોગ ટોર્ચ લાઇટની જેમ કરી શકાય છે. હવે ખેતી માટે જમીન લેબમાં મોકલવાની જરૂર નહીં રહે. ફક્ત 10-15 સેકન્ડમાં આ ઉપકરણ જમીનમાં રહેલા પોષક તત્ત્વો, કાર્બનિક તત્ત્વો અને જીવનસાજા જેવી અગત્યની બાબતોનું વિશ્લેષણ કરી શકે છે.
કેમ કારગર છે આ ડિવાઈસ?
આ ડિવાઈસ સ્પેક્ટ્રોસ્કોપીની આધુનિક પદ્ધતિ પર આધારિત છે. જયાં પારજાંબલી, દૃશ્યમાન અને પારરક્ત પ્રકાશનો ઉપયોગ કરીને જમીનના તત્વો ઓળખવામાં આવે છે. સાથે જ એઝિટોબેક્ટર, નાઇટ્રોબેક્ટર, રાઈઝોબિયમ જેવા લાભદાયી જીવાણુઓની હાજરી પણ જાણી શકાય છે – જે ખાસ કરીને નેચરલ ફાર્મિંગ માટે અત્યંત ઉપયોગી છે.
યુઝર-ફ્રેન્ડલી અને ટકાઉ
ડૉ. પટેલના જણાવ્યા મુજબ, આ ડિવાઈસ 1 લાખ સેમ્પલ સુધી ટેસ્ટ કરી શકે છે. ત્યારબાદ માત્ર પ્રોબ અને સેન્સર બદલવા પડે છે. સામાન્ય સરકારી લેબમાં એક સેમ્પલનું પરિણામ આવતા જ્યાં 10 દિવસ જેટલો સમય લાગી શકે છે, ત્યાં આ ઉપકરણ ખેતીના સ્થળે તરત જ પરિણામ આપે છે.
AIથી ભરીશકાય તેવું ભવિષ્ય
આ ડિવાઈસનું કેલિબ્રેશન કરવા માટે તેને રાજ્યની વિવિધ સોઈલ ટેસ્ટિંગ લેબમાંથી પ્રમાણિત સેમ્પલ આવ્યા છે. તેમાથી મેળવાયેલા ડેટાને ડિવાઈસમાં ફીડ કરીને મશીન લર્નિંગ અને AI માધ્યમથી વધુ સાચા પરિણામો મળે તેવી કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં આ ડિવાઈસ 95%થી વધુ એક્યુરેટ પરિણામ આપતું બનશે.
દેશને વિકાસની દિશામાં દોરી જતું શોધકાર્ય
ડૉ. મધુકાંત પટેલે અગાઉ મધમાખીનું મૂડ જાણવા માઇક્રોફોન ટેક્નોલોજી, કેન્સર કોષો ઓળખવા ચામડીની સ્પેક્ટ્રોસ્કોપી જેવી સંશોધનાઓ કરી છે. તેમને એવી આશા છે કે તેમનું આ નવું ઉપકરણ કૃષિ ક્ષેત્રમાં પણ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
વિજ્ઞાન અને કૃષિનું આવું સમન્વય, ખેડૂતના કલ્યાણ માટે બનતું આવનારા યુગનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે.