Ambaji Rail Tunnel Project Gujarat-Rajasthan: 117 કિમી લાંબી રેલ લાઇનમાં 8.72 કિમીનો પ્રવાસ ટનલમાં, ટનલનું કામ અવિરત ચાલી રહ્યું છે
Ambaji Rail Tunnel Project Gujarat-Rajasthan: ઉત્તર ગુજરાત માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે વિકાસ પામતી તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલ લાઇન હવે નવી ઊંચાઈએ પહોંચતી જણાઈ રહી છે. 116.65 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ રેલમાર્ગ પહાડ, જંગલ અને દુરગમ પ્રદેશમાંથી પસાર થાય છે, જેમાંથી 11 ટનલ બનેલી છે. તેમાં સૌથી ખાસ અને નોંધપાત્ર ટનલ સાબરકાંઠાના પોશીણામાં આવેલ 1.86 કિલોમીટર લાંબી, ઘોડાની નાળ આકારની છે.
આ ટનલ ગુજરાતની અત્યારસુધીની સૌથી લાંબી હોવાની સાથે તેની ઊંચાઈ 7.2 મીટર અને પહોળાઈ 8 મીટર છે. ટનલનું આંતરિક ઘેરાવ 21 મીટર છે. આ ટનલનું કામ 24×7 પદ્ધતિથી શરૂ કરવામાં આવ્યું છે અને દર તબક્કે સુરક્ષા અને ગુણવત્તાની કડક તપાસ કરવામાં આવી રહી છે.
ટનલના નિર્માણમાં ટેકનિકલ કાળજી અને મજબૂતાઈ પર ખાસ ધ્યાન
ટનલનું ખનન કાર્ય ખૂબ જ તકેદારીપૂર્વક કરવામાં આવે છે. પહેલા ટેમરોક મશીનથી પથ્થર ડ્રીલ કરીને એમાં એક્સપ્લોઝિવ સ્થાપિત કરવામાં આવે છે અને પછી બ્લાસ્ટ કરીને માર્ગ બનાવી શકાય છે. સાથે જ ખાસ પ્રકારના સિમેન્ટના દ્રાવણ અને લોખંડની પ્લેટોથી ટનલને મજબૂત બનાવવામાં આવી રહી છે. દરેક તબક્કે પથ્થર, પાણી, લોખંડ, રેતી અને સિમેન્ટ જેવી સામગ્રીની લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી લાંબા ગાળે ટનલની સલામતી અને મજબૂતાઈ જળવાઈ રહે.
રૂટ અને સમયગાળો: ટ્રેન યાત્રીઓ માટે હશે વધુ આરામદાયક વિકલ્પ
હાલનો માર્ગ: આબુરોડથી અંબાજી સુધી 20 કિમીનો છે જેનુ મુસાફરી સમય 30 મિનિટ છે.
નવી રેલ લાઇન: આ અંતર હવે 32.654 કિમીનો થશે, જેમાં 30-50 મિનિટનો સમય લાગશે.
તારંગા હિલથી આબુરોડ સુધી ટ્રેન યાત્રા 84 કિમીની થશે, જે હાલના રોડ રૂટ કરતાં લાંબી પણ આરામદાયક હશે.
વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હેઠળનું વિશાળ દ્રશ્ય
11 ટનલ (5 ગુજરાતમાં, 6 રાજસ્થાનમાં)
54 મોટા બ્રિજ અને 151 નાના બ્રિજ
8 ઓવરબ્રિજ અને 54 અંડરપાસ
કુલ ખર્ચ: ₹2798.16 કરોડ
કામ પૂર્ણ થવાનો અંદાજ: વર્ષ 2026-27 સુધી
હાલના સ્ટેટસ પ્રમાણે: 11% કામ પૂર્ણ
રેલ પ્રોજેક્ટથી સ્થાનિક યાત્રાળુઓ અને વેપારીઓને મળશે મોટો લાભ
તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઇનથી યાત્રાળુઓ માટે અંબાજી ધામ પહોંચવું વધુ સરળ અને આરામદાયક બનશે. સાથે વેપાર વ્યવસાય, પ્રવાસન અને સ્થાનિક વિકાસને પણ મજબૂત પુરાવા મળશે. આ લાઇન ગુજરાત-રાજસ્થાનને નવા માર્ગે જોડતી હોવાથી દ્વિ-રાજ્યે વ્યાપક પરિવહન સંજાળમાં પણ વધારો થશે.