Amit shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાતના પ્રવાસે, ઈફ્કો પ્લાન્ટની 50મી ઉજવણીમાં ભાગ લેશે
Amit shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવશે, જેમાં તેઓ કલોલ સ્થિત ઈફ્કો પ્લાન્ટની 50મી વર્ષગાંઠના ઉજવણી સમારોહમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ઈફ્કોના સીડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરશે. અમિત શાહ 6 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, જ્યાં રાજ્યભરના ખેડૂતો પણ હાજર રહેશે.
અમિત શાહ 5 એપ્રિલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ તેઓ પોતાના નિવાસસ્થાને થલતેજમાં રાત્રિ રોકાણ કરશે. તેમની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા અને આયોજનની તૈયારી શરૂ થઈ ગઈ છે.
6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સ્થાપના દિવસની ઉજવણી પણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ પ્રસંગે ભાજપના કાર્યકરો ઘરો પર પાર્ટીનો ધ્વજ લગાવી ઉજવણી કરશે. અમિત શાહ પણ પોતાના નિવાસસ્થાને ધ્વજારોહણ કરી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરશે.
આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંભાવિત રાજકીય અને સંગઠનાત્મક બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. ખાસ કરીને, વર્ષ 2024ની સામાન્ય ચૂંટણી બાદ તેમની આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.