દીવા તળે અંધારુંની કહેવત અમરેલીમાં સાબિત થઈ, સામાન્ય રીતે સમાજ અને સરકારની સંપત્તિને નુકશાન કરનારાઓને પોલીસ કાયદાનો અમલ કરી દંડ કરે છે. પરંતુ ખુદ કોટવાલ ચોર થાય તો..? તમને આ સમાચાર વાંચીને આંચકો લાગશે કે અમરેલીના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ લાઈનમાં સ્થાનિક પોલીસ અને પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચેકીંગ કરતા 12 પોલીસ કર્મચારીઓના ઘરમાં ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું માલુમ થયું. પોલીસ હસ્તકના સરકારી મકાનોમાં જ વીજ જોડાણમાં વીજ મીટર સાથે ચેડાં કરી કેટલાક ઘરોમાં વીજળીની ચોરી થઈ રહી છે. જ્યારે કેટલાક ઘરોમાં ગેરકાયદેસર વીજળી ના બાયપાસ કનેક્શન આપવામાં આવ્યા છે.
કાયદાના જાણકાર અને કાયદાનું પાલન કરાવનારા પોલીસ વિભાગના કર્મચારીઓ ખુદ આ કાંડમાં રંગે હાથ ઝાડપતા અમરેલીના એસ.પી. નિરલિપ્ત રાય દ્વારા કડક હાથે તમામ 12 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા હુકમ કરવામાં આવ્યો કે જે કાયદાના રક્ષક અને જાણકાર હોવા છતાં પોલીસ કર્મચારીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તે પોલીસ વિભાગને છાજે તેવી નથી. તમામ 12 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સરકારી મકાન ખાલી કરી લાઇન આઉટ કરવામાં આવે.