Amreli tragedy: અમરેલીની શેત્રુંજી નદીમાં દુર્ઘટના : નાહવા ગયેલા ચાર યુવાનો ડૂબતાં ગામમાં શોકનો માહોલ
Amreli tragedy: અમરેલી તાલુકાના ગાવડકા વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી આજે શોકમાં ગરકાવ થઈ ગઈ, જ્યારે ચાર યુવાનો નદીમાં નાહવા જતા પોતાના જીવ ગુમાવી બેઠા. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. કેટલાક કલાકોની મહેનત બાદ યુવાનોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા.
મૃતક યુવાનોની ઓળખ મીઠાપુર ડુંગરી ગામના રહેવાસી તરીકે થઈ છે – 20 વર્ષીય ભાર્ગવ રમેશભાઈ રાઠોડ, 18 વર્ષીય નરેન્દ્ર પ્રેમજીભાઈ વાળા, 21 વર્ષીય કૌશિક મુલજીભાઈ રાઠોડ અને 22 વર્ષીય કમલેશ ખોડાભાઈ દાફડા. મળતી માહિતી મુજબ તમામ યુવા વિદ્યાથી હતી અને મિત્રો સાથે નદીમાં નાહવા આવ્યા હતા.
ફાયર ઓફિસર એસ.સી. ગઢવી અને તેમની ટીમે તમામ યુવાનોના મૃતદેહોને બહાર કાઢી અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ઘટનાને પગલે પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને મીઠાપુર ડુંગરી ગામમાં શોકની લાગણી છવાઈ છે. યુવાન વયે જીવન ગુમાવનાર ચાર મિત્રોના મૃત્યુએ સમગ્ર વિસ્તારોમાં ઊંડું દુઃખ ફેલાયું છે.