આલૂ ટિક્કી અને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મહેસાણામાં તૈયાર કરાઈ ફેકટરી : ડીસાથી બટાકાની ખરીદી થશે
દેશભરમાં લાખો દૂધ ઉત્પાદકોની કિસ્મત બદલી દેનાર ગુજરાત મિલ્ક ફેડરેશન પોતાની અમૂલ બ્રાન્ડમાં હવે ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈ અને આલૂ ટિક્કી જેવી પ્રોડેક્ટ વેચવા જઈ રહી છે. અમૂલ બ્રાન્ડમાં આ પ્રોડક્ટ દિવાળીમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. ગુજરાત મિલ્ક ફેડરેશન આ માટે ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈઝ અને આલૂ ટિક્કી જેવા પ્રોડેક્ટ જાતે જ બનાવશે. તેમજ આ માટે બટાકાની ખરીદી સીધી ડીસાના ખેડૂતો પાસેથી કરાશે.
અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કામ સંભાળતા ગુજરાત મિલ્ક ફેડરેશનના અધ્યક્ષ આરએસ સોઢીએ જણાવ્યુ હતું કે અમે અમૂલ બ્રાન્ડમાં ફ્રેન્ચ ફ્રાઈઝ અને આલૂ ટિક્કી જેવા પ્રોડેક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આઈઆઈએમ-અમદાવાદમાં યોજાયેલ રેડ બ્રિક્સ સમિટ દરમિયાન સોઢીએ આ મૂજબની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, અમે પ્રથમ તબક્કામાં ડીસાના ખેડૂતો પાસેથી એક લાખ ટન બટાકાની ખરીદી કરીશું. ડીસાના બટાકા સમગ્ર ભારતમાં પોતાની ક્વોલીટી માટે જાણીતા છે. સોઢીએ જણાવ્યુ હતું કે બટાકામાંથી બનેલ ફ્રોઝન પ્રોડક્ટનુ ઉત્પાદન મહેસાણામાં તૈયાર કરાયેલ ફેક્ટરીમાં થશે.
મહત્વની વાત એ છે કે ફ્રેન્ચ ફ્રાઈઝ અને બટાકાની ફ્રોઝન પ્રોડેક્ટ બનાવતી જાણીતી કંપની મેકેન ફુડ્સ પ્રાઈવેટ લિમિટેડની ફેક્ટરી પણ મહેસાણામાં જ આવેલી છે. સોઢીએ જણાવ્યુ હતું કે, ડીસાના ખેડૂતોને આકરી મહેનત બાદ પણ પોતાના પાકનુ યોગ્ય વળતર મળી રહ્યુ નથી. જેથી અમે ખેડૂતોની મદદ માટે સીધા જ તેમની પાસેથી બટાકા ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ માટે દૂધ ઉત્પાદકોની જેમ જ ખેડૂતો માટે પણ પ્રોફીટ મોડલ તૈયાર કરાયુ છે. જે અંતર્ગત ખેડૂતોને બટાકાની ખેતી માટે ગુજરાત મિલ્ક ફેડરેશન તરફથી આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવશે.