Andheshwar Mandir Lokarpan : અંધેશ્વર મહાદેવ મંદિરમાં આધુનિક શૃંગારિક સુવિધાઓનું ઉદ્ઘાટન, ભક્તોને મળશે બાર જ્યોતિર્લિંગના દર્શન
Andheshwar Mandir Lokarpan : નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ પવિત્ર અંધેશ્વર મહાદેવ મંદિરમાં આજે નવા શૃંગારિક અને આધુનિક વિકાસ કામોની શરૂઆત કરવામાં આવી. આ ઉત્સવમય પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ નવસારીના લોકસભા સાંસદ સી.આર. પાટીલની વિશેષ હાજરી રહી હતી. તેમના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મંદિરનું 2001માં થયેલ જીર્ણોધ્ધાર પછી હવે 2025માં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વધુ આનંદદાયક અને આધ્યાત્મિક અનુભવ મળે એ ઉદ્દેશથી વિવિધ નવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને, મંદિર પરિસરમાં હવે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવાની વ્યવસ્થા ભક્તો માટે સુલભ બની છે. શ્રાવણ માસ તથા મહાશિવરાત્રિ પર્વોમાં હજારો ભક્તો અહીં એકત્ર થાય છે.
આ મંદિરમાં સેવા આપતું નિમેષ પટેલ પરિવાર પણ સામાજિક કાર્યમાં નિષ્ઠાપૂર્વક આગળ છે. ટ્રસ્ટે અમલસાડ ખાતે અતિઆધુનિક સ્મશાનગૃહ નિર્માણ કર્યું છે અને વિસ્તારમાં ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે પણ સહાય કરે છે.
આ ભવ્ય પ્રસંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, તેમજ ભાજપના અન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવી સુવિધાઓ સાથે અંધેશ્વર મહાદેવ મંદિર હવે દક્ષિણ ગુજરાતનું એક આકર્ષક તીર્થધામ બની રહેશે.