Angel Patel Yoga Gold Medal Malaysia: પિતાના પ્રયાસો અને યોગ શિક્ષકના માર્ગદર્શનથી એંજલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગાસનમાં મેળવ્યો ગૌરવમય વિજય
Angel Patel Yoga Gold Medal Malaysia: મહેસાણા જિલ્લાના દેત્રોજ તાલુકાના કાંઝ ગામના વતની એડવોકેટ રાકેશકુમાર પટેલની પુત્રી એંજલ પટેલે મલેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એંજલ હાલ કડીમાં રહે છે તથા પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. યોગાસન દ્વારા એંજલે પોતાનું તથા પરિવારનું નામ રોશન કર્યું છે.
એંજલના માતા-પિતા તથા યોગ શિક્ષક ઘનશ્યામભાઈ પટેલના માર્ગદર્શન અને મહેનતથી એંજલએ આ સિદ્ધિ મેળવી છે. એંજલ દરરોજ ત્રણથી ચાર કલાક સુધી યોગાસનની પ્રેક્ટિસ કરે છે, જેના પરિણામે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિજય મેળવ્યો છે.
એંજલના પિતા રાકેશભાઈ પટેલ કહે છે કે, બે-ત્રણ વર્ષ પહેલાં એંજલ વધુ સમય ફોન અને ટીવીમાં વિતાવતી હતી. એ સમયે તેમણે વિચાર્યું કે દીકરીનું ધ્યાન કોઈ પ્રોડક્ટિવ પ્રવૃત્તિ તરફ વાળવું જરૂરી છે. તેમણે એંજલને યોગાસન માટે ઘનશ્યામભાઈ પટેલ પાસે મોકલવાનું નક્કી કર્યું. ત્યારથી એંજલના જીવનમાં ઘણો પોઝિટિવ ફેરફાર આવ્યો. એંજલમાં અભ્યાસ પર ધ્યાન વધ્યું, ફોન-ટીવીનો ઉપયોગ ઘટ્યો અને તંદુરસ્તી પણ વધારે સારી થઈ.
એંજલ હાલ સુધીમાં યોગાસનમાં ત્રણ મેડલ જીતી ચૂકી છે — બે ગોલ્ડ તથા એક સિલ્વર. મલેશિયામાં યોજાયેલી તાજેતરની આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં મેળવેલા ગોલ્ડ મેડલ દ્વારા એંજલે ભારતનું નામ વિશ્વસ્તરે ગૌરવમય બનાવ્યું છે. એંજલના માતા-પિતા જણાવે છે કે યોગાસનથી એંજલના જીવનમાં શારીરિક તથા માનસિક રીતે નોંધપાત્ર સુધારો આવ્યો છે, અને આજના સમયમાં યોગનો મહિમા દરેક બાળક સુધી પહોંચાડવો જરૂરી છે.