છેલ્લા ઘણા સમયથી એવું કહેવાય છે કે કોંગ્રેસ બહાર વિરોધીઓ સામે ઓછું અને અંદરો અંદર વધુ લડતું હોય છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે ગજગ્રાહની સ્થિતિ સર્જાયેલી છે. એ જ અનુસંધાને ગુજરાત કોંગ્રેસમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને અહમદ પટેલના નજીકના ગણાતા પીઢ કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ આજે પોતાના જ પક્ષ વિરુદ્ધ ટ્વિટ કરીને પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક ડખાને બહાર લાવી દીધો છે. આ ટ્વિટમાં મોઢવાડીયાએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સામે બળાપો કાઢતાં લખ્યું હતું કે ‘સ્થાનિક લેવલે જે નેતાઓની જરા પણ પકડ નથી તેવા નેતાઓ દિલ્હીમાં બેસી ગયા છે. અને રાજ્યમાં તો ક્યારેક જ મળે છે બાકી હાર બાદ અખિલ ભારતીય કોંગ્રેસને મીડિયા થકી સલાહો આપતા ફરે છે.’ આ સાથે જ મોઢવાડીયાએ કહ્યું હતું કે પક્ષ આવા નેતાઓને પહેલાં કાર્યકર્તા તરીકે કામ કરાવે.
ઉલ્લેખનીય છે કે એક સમયે ગુજરાત કોંગ્રેસમાં પોતાનું આગવું વર્ચસ્વ ધરાવતા અર્જુન મોઢવાડીયા ઘણા સમયથી કોંગ્રેસમાં સાઈડલાઈન થઈ ગયા છે અને તેમની સ્થાનિક કે રાષ્ટ્રીય સંગઠનમાં અવગણના થઈ રહી છે. ત્યારે તેમનું આ ટ્વિટ સૂચક છે. આ સાથે તેમના રાજકીય હરીફ ગણાતા શક્તિસિંહ ગોહિલને દિલ્હી કોંગ્રેસના પ્રભારી બનાવ્યાના બીજા જ દિવસે મોઢવાડીયાનું ટ્વિટ તેમના પ્રત્યેની નારાજગી તરફ પણ ઈશારો કરી રહ્યું છે.