Aryan Nehra wins Gold: અંતિમ 100 મીટરમાં બતાવ્યો અદ્ભુત જુસ્સો
Aryan Nehra wins Gold: અમદાવાદના ઉદયમાન તરવૈયા આર્યન નેહરાએ ભુવનેશ્વરમાં યોજાયેલી 78મી સિનિયર નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 400 મીટર ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે આ રેસ માત્ર 3:55.96 મિનિટમાં પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે. આ વિજય બાદ આર્યન હવે સિંગાપોરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
અંતિમ 100 મીટરમાં બતાવ્યો અદ્ભુત જુસ્સો
પ્રારંભિક તબક્કામાં પાંચમા સ્થાન પર રહેલા આર્યને અંતિમ 100 મીટરમાં જે જબરદસ્ત ઝડપ પકડી, તે બધાને ચોંકાવી દીધું. સફેદ કેપ પહેરી લેન નંબર 5માં તરતી વખતે આર્યને જબરદસ્ત કમબેક કર્યું અને ટોચનું સ્થાન મેળવ્યું. આ જીતે તેમને વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધી પહોંચાડી દીધા છે.
અગાઉ પણ બનાવ્યા હતા રાષ્ટ્રીય રેકોર્ડ
આર્યન નેહરા માટે આ સિદ્ધિ નવી નથી. 2023માં હૈદરાબાદમાં યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં તેમણે 400 મીટર ફ્રીસ્ટાઇલમાં 3:52.55 મિનિટનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે સુધી ભારતીય તરવૈયાઓ માટે સૌથી ઝડપી સમય છે. એ જ વર્ષે 1500 મીટર અને 800 મીટરની કેટેગરીમાં પણ તેમણે નવા રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપિત કર્યા હતા.
મહેનત અને ધીરજનો પરિચય
ભુવનેશ્વરના તરણકુંડમાં ભારતના ટોચના તરવૈયાઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધાની પળો દરેક રમતપ્રેમી માટે યાદગાર રહી. ખાસ કરીને અંતિમ 100 મીટરમાં આર્યને જે ગતિ, મહેનત અને ધીરજ બતાવી, તે તેમને ચેમ્પિયન બનાવતી મુખ્ય બાબત રહી. આવી સફળતા તેમની નિષ્ઠા તથા અદમ્ય ઇચ્છાશક્તિને દર્શાવે છે.
ચાહકો માટે ગૌરવનો ક્ષણ
આર્યનની આ જીત અમદાવાદ તથા ગુજરાત માટે ગૌરવનો ક્ષણ બની છે. તેમણે 3:55.96 મિનિટમાં પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે દિલ્હીના કુશાગ્ર રાવતે 3:56.84 મિનિટમાં દ્વિતીય સ્થાન અને કર્ણાટકના એનિસ ગોવડાએ 3:57.17 મિનિટમાં તૃતીય સ્થાન મેળવ્યું. હવે દેશભરના ચાહકો આર્યનની આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પ્રદર્શન માટે આતુર છે.