Australian Consul General Jamnagar Visit: જામનગરમાં ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી અને ટીમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ઉદ્યોગ, રમતગમત અને શિક્ષણ સહિતના મુદ્દે ચર્ચા કરી
Australian Consul General Jamnagar Visit: જામનગર, જેને ‘બ્રાસ સિટી’ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી સહિતની ટીમે મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેમણે જામનગરના બ્રાસ ઉદ્યોગ, ગ્રીન એનર્જી, પોર્ટ વિકાસ તથા રમતગમત સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી, જેઓ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યો માટે જવાબદાર છે, તેમણે ટીમ સહિત જામનગર આવી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર, ઉદ્યોગ, રમતગમત, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સહકાર માટે ચર્ચા કરી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના સ્થાનિક પ્રતિનિધિઓએ આ મુલાકાત દરમિયાન મહેમાન ટીમનું સ્વાગત કર્યું.
પોલ મર્ફી સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર તથા ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલેટ મુંબઈમાં વિદેશી બાબતોના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્માની ઉપસ્થિતિ રહી હતી. મુલાકાત દરમિયાન જામનગરના બ્રાસ ઉદ્યોગ અંગે વિશેષ ચર્ચાઓ થઈ. પોલ મર્ફીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયામાં કોપરના વિશાળ ભંડાર છે, જ્યાંથી જામનગર માટે કોપરની આયાત તથા જામનગરમાં તૈયાર થતાં ઉત્પાદનોના નિકાસ માટે તકો ઉભી થઈ શકે છે.
રમતગમતના ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. 2032માં ઓસ્ટ્રેલિયામાં ઓલમ્પિક રમતોનું આયોજન થશે, જયારે 2037માં ગુજરાત પણ ઓલમ્પિકનું યજમાન બનવાનું છે. આ મુદ્દે પણ બંને દેશો વચ્ચે સહકાર માટે ચર્ચા કરવામાં આવી.
સાથે જ ગ્રીન એનર્જીના મુદ્દે જામનગરમાં ઉપલબ્ધ તકો અંગે વિશેષ ચર્ચા થઈ. પોલ મર્ફી સહિતના પ્રતિનિધિઓએ જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ તથા લાખોટા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેમણે જામનગરના સાંસ્કૃતિક વારસાની સરાહના કરી અને ભવિષ્યમાં પરસ્પર સહકારથી ઉદ્યોગ, રમતગમત તથા ગ્રીન એનર્જી ક્ષેત્રે કામ કરવાની આશા વ્યક્ત કરી.