રાજ્ય સભાની ચુંટણી પણ હાર્યા ને અહેમદ પટેલને આપેલો કરોડોનો પ્લોટ પણ હવે ગયા ખાતર ગણવો ?
મેહુલ ભટ્ટ દ્વારા
અમદાવાદ : શંકરસિંહ વાઘેલા એક કદાવર અને સક્ષમ નેતા ગણાય છે, પરંતુ જનવિકલ્પ પાર્ટીનો હાલ ક્યાય કોઈ ગજ વાગતો હોય તેમ જણાતું નથી, હાલને તબકકે તે ભાજપની બી પાર્ટી તરીકે જ લોકોમાં જાણીતી બની છે, જેના કારણે લાંબાગાળે શંકરસિંહની ઈમેજને પણ મોટો ધક્કો પહોચી શકે છે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. શંકરસિંહ એક પીઢ નેતા છે, પરંતુ તેમણે ભરેલાં પગલાંને કારણે તેમનો દીકરો અને તેમના વેવાઈ બળવંતસિંહ બંનેની મુશ્કેલી ૧૦૦ ટકા વધેલી છે. અહેમદ પટેલ સામે
રાજ્યસભાની ચુંટણી લડવા માટે મેદાને પડેલા બળવંતસિંહનો કારમો પરાજય થયો.
બળવંતસિંહ પોતે એક સફળ ઉદ્યોગપતિ છે… શિક્ષણ, ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ તેમજ રીયલ એસ્ટેટમાં મોટા રોકાણ સાથે તેઓ મોટું નામ પણ કમાયા છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેમણે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રાધા સ્વામી સત્સંગની લાખ્ખો ચોરસ મીટર જમીન જે-તે સમયે લગભગ સાડા ત્રણસો કરોડથી પણ વધુ કિમતમાં ખરીદી હતી. જ્યાં તેમણે સ્વ નામની સ્કીમ મૂકી છે તેવી જ
રીતે પ્લોટીંગ પણ કર્યું છે. અહી સુધી તો બધી વાત બરાબર છે. પરંતુ ખરી વાત હવે પછીની છે – આ સ્કીમમાં જ એક ત્રણ હજાર વારનો વિશાળ પ્લોટ જે તે સમયે સારા સંબંધો હતા ત્યારે બળવંતસિંહે કોંગ્રેસના તારણહાર ગણાતા અહેમદ પટેલને આપ્યો હતો.
અગાઉ જેમ રાજા મહારાજાઓને શ્રીમંતો દ્વારા વિવિધ ભેટ સોગાદો અને નજરાણા પેશ કરતા હતા તેવી જ રીતે આ પ્લોટ બળવંતસિંહે કોંગ્રેસના સર્વેસર્વા ગણાતા અહેમદ પટેલને ભેટ આપ્યો હોવાનું આજે પણ ચર્ચાઈ રહ્યું છે અને તે પ્લોટ આજે પણ અહેમદ પટેલના નામે બોલી રહ્યો હોવાનું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે. હવે બદલાયેલી પરિસ્થિતિમાં અહેમદ પટેલને રાજ્યસભામાં હરાવીને તેમનું અસ્તિત્વ મિટાવી દેવા મેદાને પડેલા બળવંતસિંહે ચુંટણીનાં પરિણામ સામે તો કોર્ટમાં દાદ માંગી જ
છે, પરંતુ પોતાના તરફથી ભેટ તરીકે આપેલા આ પ્લોટને અહેમદ પટેલ પાસે રહેવા દેશે કે તે પરત કબજે લેવા માટેની કાર્યવાહી પણ
શરુ કરશે?
બોસ… તમને શું લાગે છે?! તમે હોવ તો શું કરો?!