Banaskantha district high alert : બનાસકાંઠામાં હાઈ એલર્ટ! સરહદે તણાવ વચ્ચે ભૂલથી આ જાહેરનામાનો ભંગ કર્યો તો ગયા કામથી !
Banaskantha district high alert : ભારત-પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની પરિસ્થિતિના પગલે ગુજરાતના સરહદી બનાસકાંઠા જિલ્લામાં તંત્ર વધુ સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટરે આ સંજોગોમાં મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં અનાજ, ઈંધણ, દવાઓ સહિતના આવશ્યક સામાનની સંગ્રાહખોરી અથવા બ્લેક માર્કેટિંગ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
કલેક્ટરએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ કે વેપારી આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરીને બજારમાં વેચવાનો પ્રયત્ન કરશે તો તેમના સામે તાત્કાલિક કાયદેસર પગલાં લેવામાં આવશે. પેટ્રોલ, ડીઝલ તેમજ ખાદ્યપદાર્થોની વ્યવસ્થામાં વિઘ્ન ન આવે એ માટે તંત્ર સંપૂર્ણ સતર્ક છે.
જાહેરનામા અનુસાર કોઈ શંકાસ્પદ સંગ્રાહખોરી કે મોંઘવારીના પ્રયાસોની જાણ તાત્કાલિક પુરવઠા અધિકારીઓને કરવા માટે પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ,જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
બનાસકાંઠામાં કોઈપણ વ્યક્તિ, વેપારીઓ સહિતના લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, બ્લેક માર્કેટિંગ અથવા ભાવમાં ચાલાકી કરી શકશે નહીં..@CMOGuj @InfoGujarat @CollectorBK
— Info Banaskantha GoG (@infobanaskantha) May 10, 2025
બીજી તરફ, બનાસકાંઠાના પાકિસ્તાન સીમાને અડસેટે આવેલા સૂઇગામ અને વાવ તાલુકાના કુલ 24 ગામોમાં બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે. આ પગલાં સુરક્ષાને મજબૂત બનાવવા અને અનિચ્છનીય ગતિવિધિઓ રોકવા માટે લેવામાં આવ્યા છે.
સાથે સાથે, આ વિસ્તારમાં પોલીસ દ્વારા ઊંટ દળના સહારે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. રણ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પોલીસ તૈનાત છે અને ખાસ કરીને બ્લેકઆઉટ ધરાવતાં ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સરહદી વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તમામ પ્રયત્નો ચાલુ છે.