સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં હેલીપેડ સહિતનો વિકાસ કરવા પેટીયૂ રળતા ગરીબ લોકો પર આજે ગાજ પડી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આસપાસના વિસ્તારમાં રોડ અને હેલીપેડ સહિતની જગ્યામાં સ્થાનિક ગરીબ ગ્રામજનો ખાણીપીણીની લારીઓ શરૂ કરી હતી. જે લારી ગલ્લા આજે તંત્રએ હટાવી લીધા છે. જેના કારણે ગરીબ લોકોમાં જનઆક્રોશ જોવા મળ્યો હતો.
નર્મદા જિલ્લાના કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા વિસ્તારના સ્થાનિક ગરીબ ગ્રામજનો ફૂટપાથ પર લારીઓ મૂકીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તંત્રએ તેની અગાઉ મજૂરી આપી હતી. પરંતુ અચાનક તંત્રએ 4 દિવસ પહેલા જ સૂચના આપી કે તેઓ પોતપોતાના ખાણીપીણીની લારીઓ સહિત બીજી વસ્તુઓ ત્યાંથી હટાવી લે. ત્યારથી લારી ધારક ગ્રામજનોમાં આજે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આજે કેવડીયામાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ હોય કેવડિયા કોલોની સ્વયંભૂ બંધ રહ્યું છે. જો કે, સ્થાનિકો રોષ વ્યકત કરી રહ્યા છે કે, જમીનો અમે ગુમાવી છે એટલે લારી મૂકીએ છીએ.
પરંતુ તંત્ર રજુઆત કરવા જઈએ તો ઉડાઉ જવાબ આપે છે. સ્થાનિકોએ ઉગ્ર સ્વરમાં આજે કલેકટરને રજુઆત કરી હતી. ગરીબોએ કલેક્ટરને જણાવ્યું કે, ઘરનું ગુજરાન કેમ ચલાવવું, તેને લઇને ગ્રામજનો ચિંતામાં દેખાયા હતા.
જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEOએ જણાવ્યું હતું કે, રોડ પર ટ્રાફિક વધી જતાં આજે 3 વિસ્તારમાં 50થી વધુ લારીઓ હટાવી છે. જો કે જિલ્લા કલેકટરે સ્થાનિકોની લારી હટાવતા પહેલા જ અમે વૈકલ્પીક વ્યવસ્થાની ઓફર કરી હતી. તેમ કહી પોતાનો બચાવ કર્યો હતો.
કેવડિયા ગામ તેમજ આજુબાજુના ગામલોકોને રોજગારી આપવાની વાત સરકારે કરી હતી. બીજી તરફ લારી ગલ્લા હટાવી તેમની રોજગારી છીનવવામાં આવી છે, ત્યારે આ ગરીબોનું બેલી કોણ?