અમદાવાદ :- તાજ હોટેલમાં હાર્દિકના સીસીટીવી ફૂટેજ બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા ત્યારે હાર્દિકે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે હું કોઈ આતંકવાદીને નથી મળ્યો.હું અનામત માટે કામ કરૂં છું.સાથે તેમણે કોંગ્રેસને સવાલ પણ કર્યો હતો કે વિડ્યો ફૂટેજ લીક કેવી રીતે થયા.
અમદાવાદની જે હોટલમાં રાહુલ ગાંધી રોકાયા હતા, એ હોટલના સીસીટીવી ફૂટેજ અનુસાર હાર્દિક પટેલ પણ એ સમય દરમિયાન હોટલમાં હાજર હતા અને આથી આ બંનેએ બંધ બારણે મુલાકાત કરી હોવાની ખબરોએ જોર પકડ્યું છે.
આ સમગ્ર મામલે હાર્દિક પટેલનું કહેવું છે કે, જો તેમને રાહુલ ગાંધીને મળવું જ હોત, તો લોકોની સામે મળ્યા હોત, આમ છુપાઇને નહીં. હાર્દિકે પટેલે કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વીકારી છે, પરંતુ રાહુલ ગાંધી સાથે બેઠક થઇ હોવાની વાત નકારી છે.
હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ બંધારણીય અનામત આપવા તૈયાર છે. ભાજપને દાંવ ઉંધો પડ્યો છે. નોટબંધીની વાત કરતા લોકો પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી? રેશ્મા અને વરુણ પટેલ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, એ લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યાં છે.
આ ઉપરાંત સોમવારે રાત્રે હાર્દિકે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, હું પાર્ટીનો નહીં, જનતાનો એજન્ટ છું. જનતા જ મારું ભવિષ્ય નક્કી કરશે. અમારી લડાઇ ચાલુ રહેશે.