Bharuch gas leakage accident : ભરૂચમાં મોટી દુર્ઘટના, દહેજની GFL કંપનીમાં ઝેરી ગેસના કારણે 4 લોકોના મોત
ગુજરાતના ભરૂચમાં ચાર લોકોના મોત થયા
ગેસ લીક થવાથી ચાર લોકોના મોત થયા
દહેજ સ્થિત કેમિકલ પ્લાન્ટમાં અકસ્માત સર્જાયો હતો
Bharuch gas leakage accident : ભરૂચમાં ઝેરી ગેસના કારણે ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત દહેજ સ્થિત કેમિકલ પ્લાન્ટમાં થયો હતો. અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના દહેજમાં સ્થિત કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી ચાર કર્મચારીઓના મોત થયા છે. દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.એમ. પાટીદારે જણાવ્યું હતું કે શનિવારે રાત્રે લગભગ 10 વાગ્યે, ગુજરાત ‘ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)’ ના પ્રોડક્શન યુનિટમાં કામદારો પાઇપમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે બેભાન થઈ ગયા હતા. આ કેસ વિશે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ચારેય કર્મચારીઓને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણનું રવિવારે સવારે 3 વાગ્યે મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એકનું સવારે 6 વાગ્યે મૃત્યુ થયું હતું.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. કંપનીના CMS પ્લાન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી પસાર થતી પાઇપમાંથી ગેસ લીકેજ થતાં ચાર કર્મચારીઓ બેભાન થઇ ગયા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચારેયના મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ ચાલુ છે.
વાલ્વ લીક થવાને કારણે અકસ્માત સર્જાયો હતો
મળતી માહિતી મુજબ વાલ્વ લીક થવાના કારણે ગેસ લીક થયો હતો. આ વાલ્વમાંથી ઝેરી ગેસ નીકળી રહ્યો હતો. આ ગેસના સંપર્કમાં આવતા કામદારો બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
તમને જણાવી દઈએ કે GFL કંપની કેમિકલના ક્ષેત્રમાં કામ કરે છે. આ કંપની ફ્લોરોપોલિમર્સ, ફ્લોરો સ્પેશિયાલિટી, રેફ્રિજન્ટ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. આ રસાયણોનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. પરંતુ આ રસાયણોનું ઉત્પાદન પણ ખતરનાક બની શકે છે. તેથી સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કંપની પર સવાલો ઉઠી રહ્યા છે
આ દુર્ઘટના બાદ સવાલો ઉઠી રહ્યા છે કે શું કંપનીમાં સુરક્ષાના ધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું? પોલીસ તપાસમાં આ બાબત જાણવા મળશે. જો કંપનીની બેદરકારી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અકસ્માતથી ચાર પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ છે.