ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ મુંઝવણમાં છે. આ બેઠક પર હજી સુધી ભાજપ અને કોંગ્રેસમાંથી કોઈ પણ પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જોકે ભાજપમાંથી આશાબેન પટેલ ઉમેદવારી ફોર્મ ભરે તેવી સંભાવના છે.
જો ઉમેદવાર તરીકે આશાબેન પટેલના નામની જાહેરતા કરાશે તો તેઓ રેલી યોજીને ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચશે. આ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહશે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોને ટિકિટ આપવામાં આવે તે હજી પણ ચર્ચાનો વિષય છે. કોંગ્રેસમાંથી એન.કે.પટેલ અથવા કામુ પટેલને ટિકિટ મળે તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે.
ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કોંગ્રેસે વિધાનસભા પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. કોંગ્રેસે મોડી રાતે વિધાનસભાની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે માણાવદર, ધ્રાંગધ્રા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટાચૂંટણી માટે નામ જાહેર કર્યા છે.