અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપ સરકાર વારંવાર ઓબીસી, એસસી અને એસટી વિરુદ્ધ તેની માનસિકતા દર્શાવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી ને અપાતી 10% અનામત રદ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર ગુજરાત ના ઓબીસી સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. આજે ઓબીસી સમાજ પાસેથી તેમના બંધારણીય અધિકારો છીનવાઈ રહ્યા છે. પરંતુ હજુ પણ ભાજપે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી.
અમે 2 દિવસ પહેલા પણ ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે ઓબીસી સમાજ સાથે થઈ રહેલો અન્યાય બંધ કરો પરંતુ તેમ છતાં ભાજપ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આ કારણોસર, આજે અમે માનનીય રાજ્યપાલ જી સાથે મુલાકાત માટે પૂછીશું અને તેમને મળીશું અને આ ગંભીર મુદ્દા પર અમારા વિચારો જણાવીશું. અમે તેમને જણાવીશું કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટી એ ઓબીસી સમાજ ના બંધારણીય અધિકારો પર હુમલો કર્યો છે. જો તેને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં એસસી સમાજ ના હક્કો પર હુમલો કરવામાં આવશે, અને પછી એસટી સમાજ ના હક્કો પર હુમલો કરવામાં આવશે. એ જ રીતે દરેક સમાજના સામાજિક અધિકારો પર હુમલા થશે.
ગ્રામ પંચાયતમાં ઓબીસી અનામત ના મુદ્દે આમ આદમી પાર્ટી રાજ્યપાલ સમક્ષ પોતાની વાત રજૂ કરશેઃ ઇસુદાન ગઢવી
આજે સમગ્ર ઓબીસી સમાજ ભાજપ થી નારાજ છેઃ ઇસુદાન ગઢવી
આજે ઓબીસી સમાજ ના અધિકારો પર હુમલો થયો છે, આવતીકાલે SC-ST સમાજ ના અધિકારો પર પણ હુમલો થઈ શકે છેઃ ઇસુદાન ગઢવી
ઓબીસી સમાજને તેનો હક અપાવવા માટે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી લડશેઃ ઇસુદાન ગઢવી
આજે તમામ સમાજના લોકો ભાજપની નીતિઓથી પરેશાન છે. ભાજપની એ જ નીતિ છે કે ભાષણમાં અલગ કહેવાનું અને કામ અલગ કરવાનું. અમે પહેલાથી જ માંગ કરી રહ્યા છીએ કે ઓબીસી સમાજને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% અનામત મળવી જોઈએ. જો માનનીય રાજ્યપાલને મળ્યા પછી પણ આ મુદ્દે કંઈ જ સકારાત્મક ઉકેલ નહીં આવે તો અમે કાયદાકીય પ્રક્રિયા માં આગળ વધીશું. જો જરૂર પડશે તો અમે સુપ્રીમ કોર્ટમાં સુધી પણ જઈશું અને અમે ઓબીસી સમાજને તેમના અધિકારો અપાવવા સંઘર્ષ ચાલુ રાખીશું.
આ મહત્વની પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.