Bomb threat Patan : રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને મળ્યો બોમ્બ ધમકીનો ઇ-મેલ, પોલીસ તંત્ર એલર્ટ: શંકાસ્પદ વસ્તુ ના મળતાં રાહતનો શ્વાસ
Bomb threat Patan : ગુજરાતમાં ફરી એક વખત સરકારી તંત્રને ત્રાસ આપનારા ધમકીભર્યા ઇ-મેલનો કિસ્સો સામે આવ્યો છે. આજે 11 એપ્રિલે, પાટણ અને રાજકોટ જિલ્લાના કલેક્ટર કચેરીઓને ઇ-મેલ મારફતે બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. બંને જિલ્લાઓમાં કડક સુરક્ષા વધારવામાં આવી હતી અને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
પાટણ કલેક્ટર કચેરીના ઇ-મેલથી તંત્ર ચોંક્યું
પાટણના કલેક્ટર અરવિંદ વિજયને મળેલા ઇ-મેલમાં બપોરે ત્રણ વાગ્યા પહેલા બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાને ગંભીરતાથી લેતા કલેક્ટર કચેરી ખાલી કરાવી દેવાઈ હતી અને પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મહેસાણાથી પણ ટેકનિકલ ટીમોની મદદ લેવાઈ હતી. લાંબી તપાસ બાદ કચેરીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી, જેના કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
રાજકોટમાં પણ સમાન રીતે મળ્યો ઇમેઇલ
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીને પણ એવી જ પ્રકારની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો હતો. ઇમેઇલમાં ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ સાથે ત્રણ વાગ્યા પહેલા કચેરી ખાલી કરાવવાની ચીમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ-ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ કચેરી ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઇમેઇલમાં દાવાઓ
ઇમેઇલમાં દાવો કરવામાં આવ્યો કે તમિલનાડુના રાજકારણમાં અસ્વસ્થતા પેદા કરવાના ષડયંત્ર હેઠળ ISIથી જોડાયેલા તત્વો સુરક્ષા તંત્રની માહિતી લીક કરી રહ્યાં છે. સાથે જ RDX જેવા વિસ્ફોટક પદાર્થથી બ્લાસ્ટ કરવાની ચેતવણી આપી હતી.
પાલનપુર અને વડોદરામાં પણ મળેલી આગાહી
પાટણની ઘટના પછી બનાસકાંઠાના પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીમાં પણ સુરક્ષા વધારવામાં આવી હતી. ત્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. ગઈકાલે વડોદરાની GIPCL કંપનીને પણ સમાન પ્રકારની ધમકી મળતી પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા.
સાયબર ક્રાઈમ તપાસમાં લાગ્યું
આ તમામ ઘટનાક્રમના કારણે રાજ્યભરમાં ચાંપતી સુરક્ષા ગોઠવવામાં આવી છે. ધમકી ભરેલા ઇમેઇલને લઈને સાયબર ક્રાઈમ શાખા દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને આઇ.પી.એડ્રેસ ટ્રેસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.