વલસાડ, તા.૧૨
રોજ સવારે છાપામાં અને ટી.વી.માં ભાજપ અને કોંગ્રેસ એક બીજાને નીચા બતાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આમ જોઇએ તો બંને વચ્ચે ૩૬નો આંકડો છે પણ બંને પાર્ટી આ વખતે ચૂંટણીમાં ૩૬ના આંકડાને અંકે કરવા માટે મરી રહ્યા છે કારણ કે આ ચૂંટણીમાં ૩૬નો આંકડો એવો છે કે જે ગાંધીનગરની ગાદી સર કરવા માટે સરળ છે.
ગુજરાતની છેલ્લી ચૂંટણી પછી પાંચ વર્ષમાં જે રાજકીય દાવપેચ ખેલાયા એ જોતાં આવનારા દિવસોમાં એજ રીતે ભાજપ અને કોંગ્રેસ ગાંધીનગરની ગાદી મેળવવા પ્રયાસ કરશે. કારણ કે ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસે ૬૧ બેઠકો મેળવી હતી અને એમાંથી ૨૧ બેઠક એવી હતી કે જ્યાં ત્રણ હજારથી ઓછો માર્જીન હતો. ભાજપની નજર આ ૧૩ બેઠક પર હતી એમાં વળી પેટા ચૂંટણીઓ થઇ જેમાં ભાજપોએ પોતાની રણનીતી અપનાવી અને કોંગ્રેસ પાસેથી ઓછા માર્જીન વાળી, પાંચ બેઠકો તલાલા, સોમનાથ, લીંબડી, ધોરાજી અને લાઠી જીતી લીધી તો વળી કોંગ્રેસ આવી જ રીતે અબકાસા જીતી લીધી હતી.
આ સંજાગોમાં કોંગ્રેસની નજર ભાજપની એવી ૧૩ બેઠકો પર છે કે જ્યાં ૩૦૦૦ વોટથી ૫૦૦૦ વોટનું અંતર છે તો વળી ભાજપ કોંગ્રેસની ૨૧ બેઠક પર બાજ નજર રાખીને બેઠું છે કે જ્યાં નાના માર્જીન થી જીતી લેવાય અલબત્તે ગઇ ચૂંટણીમાં કોંગ્રેસને જી.પી.પી. સાથેનું સમાધાન અને એન.સી.પી. સાથેનો ઝગડો થયો હતો એમાં એમને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી. આ વખતે કોંગ્રેસ અને એન.સી.પી. ની આંખ લડી છે એ જોતાં ઉપરેકની એક બેઠક પર એન.સી.પી. ઓછા મતે જીત્યુ છે ત્યાં નજર રહેશે તો ભાજપ પાસેની ઓછા માર્જીનવાળી બાપુનગર, મોરબી, જામનગર, કરજણ, ડોડિયાપાડા જેવી બેઠક પર પણ નજર રહેશે અને જી.પી.પી.ની ધારીની બેઠક પર નજર રહેશે.
તો કોંગ્રેસ પાસેની ઓછા મતની બેઠકો સંખેડા, કાંકરેજ, કડી અને ડાંગ પર ભાજપની નજર રહેશે.
અલબત્ત આ ઓછા માર્જીનવાળી બેઠકો પર કેટલાં અપક્ષ ઉભા રાખી મત ફાળવાની રણનીતી કયો પક્ષ અપનાવે છે એ તો ચૂંટણી નજીક આવતાં ખબર પડશે પરંતુ એક વાત તો નક્કી છે કે ગાંધીનગરની ગાદી પર પહોંચવા માટે ૩૬ સીટ એક સીડી બની રહેશે અને ૩૬નો આંકડો દરેક પાર્ટી માટે મેજીક ફીગર બની જશે. એમાં કોઇ શંકાને સ્થાન નથી.