Budget Session 2025: વિધાનસભામાં ગુંજ્યો ખ્યાતિ કાંડ: કૉંગ્રેસ ધારાસભ્યોએ નકલી તબીબ-દર્દી બની કર્યો વિરોધ!
ગાંધીનગર, સોમવાર
Budget Session 2025 : હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં આજે ખ્યાતિ કાંડ અને રાજકોટની પાયલ હૉસ્પિટલના સીસીટીવી મુદ્દે ભારે ચર્ચા થઈ. આ મુદ્દા પર વિરોધ નોંધાવતા કૉંગ્રેસના ધારાસભ્યોએ અનોખી પદ્ધતિ અપનાવી—નકલી ડૉક્ટર અને દર્દી બની વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શિત કર્યો.
કૉંગ્રેસ ધારાસભ્યોનો ‘નાટકીય’ વિરોધ
વિધાનસભા પ્રવેશદ્વાર પાસે કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને અન્ય ધારાસભ્યોએ એક નાટકીય પ્રદર્શન કર્યું. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા અને ડૉ. તુષાર ચૌધરીએ ડૉક્ટરની ભૂમિકા ભજવી, જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર ‘દર્દી’ બન્યા. આ પ્રદર્શન દ્વારા તેમણે ખ્યાતિ કાંડને કેન્દ્રમાં રાખી સરકાર સામે સખત આક્ષેપો કર્યા.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો શ્રીઓ એ ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને રાજ્યમાં ઠેર ઠેર ચાલતી હોસ્પિટલમાં કમલમ અને સરકારના કમિશનથી ચાલતા કૌભાંડ મુદ્દે વિધાનસભા પરિસરમાં નાટ્ય સ્વરૂપે વિરોધ કરી, CBI તપાસની માંગ.#કમલમ_નું_કમિશન pic.twitter.com/S9xJjS4jqE
— Gujarat Congress (@INCGujarat) February 24, 2025
ભ્રષ્ટાચાર અને તપાસની માગ
અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું મોટું રેકેટ ચાલી રહ્યું છે, જેમાં કરોડો રૂપિયાના કૌભાંડનો સમાવેશ થાય છે. તેમનો દાવો હતો કે કમિશન માટે સામાન્ય લોકોના જીવ સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. તેઓએ માંગણી કરી કે ખ્યાતિ હૉસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને તેની સીબીઆઈ દ્વારા ઊંડી તપાસ થવી જોઈએ.
આ વિરોધ અને માંગણીઓ વચ્ચે, વિધાનસભામાં આ મુદ્દે સરકાર શું પગલાં ભરે છે, એ જોવું મહત્વનું રહેશે.