Bullet Train Project: દમણગંગા નદી પર 360 મીટર લાંબો બ્રિજ તૈયાર
Bullet Train Project: મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા Bullet Train Project અંતર્ગત એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પર પહોંચી ગયા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ જાહેરાત કરી છે કે વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર બુલેટ ટ્રેન માટે બનાવવામાં આવતો બ્રિજ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. 360 મીટર લાંબા આ પુલમાં કુલ 9 ફુલ-સ્પાન ગર્ડર છે અને તે બોઇસર અને વાપી સ્ટેશનોની વચ્ચે આવેલો છે.
ગુજરાતના 21 નદી પુલ પૈકી હવે 16 તૈયાર
ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે કુલ 21 નદી બ્રિજ બનાવવાના છે, જેમાંથી દમણગંગા નદી પરનું બ્રિજ 16મું પૂરૂં થયેલું કામ છે. ખાસ વાત એ છે કે વલસાડ જિલ્લામાં આવેલી પાંચેય નદીઓ પરના બ્રિજ—ઔરંગા (320 મી.), પાર (320 મી.), કોલક (160 મી.), દરોથા (80 મી.) અને હવે દમણગંગા (360 મી.)—સફળતાપૂર્વક તૈયાર થઈ ચૂક્યા છે.
ઝરોલીથી વાઘલદરા સુધી ચાલતો કોરિડોર
બુલેટ ટ્રેનનો કોરિડોર વલસાડ જિલ્લામાં લગભગ 56 કિમી વિસ્તાર ધરાવે છે. આમાં દાદરા અને નગર હવેલીના 4.3 કિમીનો સમાવેશ થાય છે. ઝરોલી ગામથી લઈને વાઘલદરા સુધી ફેલાયેલા આ રેલવે રૂટમાં અનેક મહત્વપૂર્ણ ઢાંચાકીય ઘટકો શામેલ છે, જેમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, 350 મીટરની ટનલ અને એક પીએસસી બ્રિજનો સમાવેશ થાય છે.
25 નદી બ્રિજમાંથી ઘણાં ઝડપથી પૂર્ણ થવાના માર્ગે
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે નદીઓ પર કુલ 25 બ્રિજ નિર્માણાધીન છે. NHSRCLના જણાવ્યા અનુસાર, હવે આ બ્રિજોના કામમાં વધુ ઝડપ આવશે અને સમયસર પ્રોજેક્ટ પૂરું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વાપીથી બોઇસર સુધી વધુ તીવ્રતા સાથે કામ
દમણગંગા પુલનું કામ પૂરું થયા બાદ હવે બુલેટ ટ્રેનના બાકીના માર્ગમાં બોઇસર-વાપી વિભાગમાં નિર્માણકામે વધુ ગતિ પકડવાની શકયતા છે. સરકાર અને NHSRCL બન્ને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા અને આઈકોનિક ટ્રેન સેવા ઝડપથી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે.