Bz Scam Update : BZ કૌભાંડ કેસ: 6,000 કરોડની હેરાફેરીમાં ભુપેન્દ્રસિંહ ઝાલાના જામીન રદ, 2.10 લાખના કેસમાં રાહત
Bz Scam Update : BZ ફાયનાન્સ કૌભાંડમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીની 6,000 કરોડના અનધિકૃત રોકાણ સંબંધિત ફરિયાદમાં જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. પરંતુ 2.10 લાખના રોકાણ કેસમાં બંનેને જામીન મંજુર કરવામાં આવ્યા છે.
ત્રણ મુખ્ય ફરિયાદો સામે
CID ક્રાઈમે ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ત્રણ અલગ ફરિયાદો નોંધાવી છે, જેમાં:
6,000 કરોડના રોકાણની મુખ્ય ફરિયાદ
4.50 લાખના રોકાણ સાથે થતી ગેરરીતીઓ
2.10 લાખની રોકાણની ફરિયાદ, જેમાં તેને હાલ જામીન મળ્યા છે.
આગળની તપાસ દરમિયાન CID ક્રાઈમે 8 આરોપીઓ સામે 22,000 પેજની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 250 પેજની વિશિષ્ટ પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. કુલ 650 સાક્ષીઓના નિવેદન નોંધાયા છે.
CID તપાસમાં 11,232 રોકાણકારો પર અસર
પોલીસ તપાસમાં 11,232 રોકાણકારો દ્વારા કુલ 422 કરોડનું રોકાણ સામે આવ્યું છે, જેમાં 172 કરોડની રકમ હજુ પરત નથી થઈ. બીજી તરફ 4,366 રોકાણકારોને 250 કરોડ પરત અપાઈ ગયા છે, જ્યારે 6,866 રોકાણકારોના 172 કરોડ બાકી છે.
CID દ્વારા આંકડા સાથે છેડછાડ?
ભુપેન્દ્રસિંહ ઝાલાની દલીલ છે કે તે ડિફોલ્ટ નથી. CIDએ ફક્ત ખાતામાં ક્રેડિટ રકમ દર્શાવી છે, ડેબિટ રકમ નોંધી નથી. 94 કરોડ જે બાકી છે, તે પણ પાકતી મુદતના હિસાબે ચુકવવાના છે.CIDનો આક્ષેપ છે કે મયુર દરજીએ 325 રોકાણકારો પાસેથી 8.73 કરોડ એકત્ર કર્યા હતા, જેમાંથી 44.64 લાખ તેના ખાતામાં જમા થયા અને 4 કરોડ જેટલી રકમ રોકડા સ્વરૂપે ઉઘરાવાઈ હતી.
અગાઉ કોર્ટમાં શું દલીલો આપવામાં આવી?
ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો કે તેના બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા હોવાથી તે રોકાણકારોને પૈસા પરત આપી શકતો નથી.CIDએ સામે દલીલ કરી કે ઝાલાએ રોકાણકારોની રકમ હેરફેર કરી છે, જેના કારણે કોર્ટએ 6,000 કરોડના કૌભાંડમાં જામીન ફગાવ્યા.
આ કેસમાં આગળની કાર્યવાહી માટે FSL તપાસ અને અન્ય સાક્ષીઓને પૂછપરછ માટે CID દ્વારા વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.