ગુજરાતમાં ચુંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ હોય છે, વિધાનસભા ચુંટણી આવતા ડિસેમ્બર મહિનામાં યોજાશે તેવું અનુમાન છે, આ સાથે દરેક પાર્ટીઓ તેની પુર જોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સત્તાધારી ભાજપ સતત સાતમી વખત પૂર્ણ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે, અને 1985માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને મળેલી રેકોર્ડ 149 બેઠકો વટાવવા 150 બેઠકો જીતવાનું લક્ષ્ય પણ ભાજપે મૂક્યું છે.
ગત 2017ની ચુંટણીમાં રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન અને પાસ નેતા હાર્દિક પટેલના કારણે કોંગ્રેસે સન્માનજનક 77 બેઠકો જીતી હતી, ત્યારબાદ કોંગ્રેસના 12 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ આંકડો ઘટીને 65 થઈ ગયો છે. અને આવી જ પરિસ્થિતિ કારણે ગુજરાત કોંગ્રેસ નેતાવિહીન અને પાંગળી થતી ગઈ છે પરિસ્થિતિ એવી છે કે હવે તેની પાસે ગુમાવવાનું પણ કશું નથી.
આવા સમયે ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજમાં સન્માનનીય અગ્રણી નરેશ પટેલ મારફત ગુજરાત કોંગ્રેસને આશા બંધાઈ છે.
પાટીદાર સમાજમાં સામાજિક કાર્યો થકી ખૂબ સન્માન મેળવનાર નરેશ પટેલ રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિ છે, તેમની કંપનીના બ્રાસ અને સ્પેર પાર્ટ્સની યુરોપ અને અમેરિકા જેવા દેશો સુધી નિકાસ થાય છે.
બે મહિના પહેલા જ્યારે નરેશ પટેલે રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી ત્યારથી રાજકીય વર્તુળોમાં ચકરડાઓ ઘુમવા માંડ્યા છે, અને પ્રબળ શક્યતાઓ એવી છે કે નરેશ પટેલ અમુક શરતો સાથે કોંગ્રેસમાં જોડાઈ શકે.
પણ આગામી ચુંટણી પહેલા દયનીય સ્થિતિમાં ડૂબતી કોંગ્રેસને નરેશ પટેલનો સાથ સ્થિર કરી શકે ખરી?
નરેશ પટેલે આજ સુધી કોઈ પણ રાજકીય પક્ષ સાથે સુધી જોડાણ કર્યું નથી, દરેક પક્ષો સાથે સમર્થનમાં તેઓ ખુલીને આવ્યા છે, ઉપરાંત નરેશ પટેલના પિતા રાજકીય રીતે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય તેવું કહેવાય છે.
રાજ્યમાં પાટીદાર સમાજના મતદારોનો ખૂબ દબદબો છે, સમગ્ર ગુજરાતના કુલ મતદારોના લગભગ 16 ટકા જેટલા મતદારો પાટીદાર સમાજમાંથી આવે છે, જે દરેક ચુંટણી પરિણામોના સમીકરણને ફેરવી શકવાની તાકાત ધરાવે છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ બહોળા પ્રમાણમાં છે, જે રાજ્યની 50 થી 70 વિધાનસભા સીટો ઉપર સીધું પ્રભુત્વ ધરાવે છે.
ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને કડવા પટેલો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લેઉઆ પટેલોની વસતી છે.
સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી 11 જિલ્લાની વિધાનસભા બેઠકો ઉપર પાટીદાર સમાજ નિર્ણાયક થતો આવ્યો છે, એટલે આ બધી બેઠકો ઉપર નરેશ પટેલ જે પક્ષમાં જાય તે પક્ષ તરફી માહોલ બને તેવી દરેક પાર્ટીઓ માની રહી છે.
પણ ખરેખર નરેશ પટેલ આટલા મોટા નેતા છે કે તે સરકાર બનાવી કે બગાડી શકેે?
જરાય નઈ, પહેલું કે નરેશ પટેલ સક્રિય રાજનેતા નથી, રાજનીતિમાં ઉતરીને ચૂંટણી લડવી અને લડાવવી તે કામ આસાન નથી,
ઉપરાંત નરેશ પટેલ જે સમાજમાંથી આવે છે તે સમાજમાં અનેક કદાવર નેતાઓ ભાજપમાં છે જેમનું પ્રભુત્વ પાટીદાર સમાજ પર વર્ષોથી છે, ત્યાં સુધી કે ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી આંદોલનમાં એક ગણી શકાય તેવું પાટીદાર આંદોલન વખતે પણ ભાજપ જીતીને સરકાર પર બેસી હતી… જેથી ભાજપના આ પાટીદાર નેતાઓથી આગળ આવીને નરેશ પટેલ પોતાની જગ્યા બનાવે તે કામ પણ સરળ નથી.
એક ઉદાહરણ એ પણ જોઈ શકાય કે જ્યારે 2012 ની ચુંટણીમાં આ જ પાટીદાર સમાજના સૌથી મોટા નેતા કેશુભાઈ પટેલ પાટીદારોને લઈને GPP પાર્ટી બનાવીને ચુંટણી મેદાને ઉતારેલા, તેવા સમયે પણ તેઓ ભાજપ સામે હારેલા, અને માત્ર એક બેઠક જીતી શક્યા હતાં.
ઉપરાંત પાટીદાર સમાજમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, દિલીપ સંઘાણી, જયેશ રાદડીયા સહિત અનેક નેતાઓ છે, જેની એક હાલક પર પાટીદાર સમાજ તમામ સમીકરણો બનાવી શકતાં હોય છે.
રાજ્યમાં જ્યાં જ્યાં પણ પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ત્યાં ભાજપના સૌથી નીચલા માળખાથી લઈને છેક ઉપર સુધી અનેક પદો પર પાટીદાર સમાજના લોકો છે, જેને તોડીને નરેશ પટેલ આગળ આવે તે લગભગ અશક્ય છે, બીજું કે નરેશ પટેલ રાજકારણમાં આવે તો સ્વાભાવિક છે કે તેમની મહત્વાકાંક્ષા હોય જ,
તેવા સમયે ભાજપમાં રહેલા અન્ય પાટીદાર સમાજના હોદ્દેદારો અને ધારાસભ્યો પણ પોતાની મહત્વાકાંક્ષાઓ જોઈને આગળ વધવાના, જેથી તેમણે પોતાનું બનાવી લીધેલું પદ પ્રતિષ્ઠા છોડવાને બદલે ખુદ નરેશ પટેલ સામે પણ લડવાનું થાય તો લડવાના.
તાજેતરના સમાચારો મુજબ નરેશ પટેલ આવતી 15 મે સુધીમાં કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાવાની જાહેરાત કરશે, અને ત્યાં સુધી મીડિયા મસાલા… મરી… નાખીને નરેશ પટેલને સારા…નસરા બતાવવાની કોશીશો શરૂ રાખશે, અને અંતે ચુંટણી સમયે મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવાને બદલે રાજકારણીઓના મૂડની વાતો આપણે સૌએ નાછૂટકે જોતા સાંભળતા, વાંચતા રહેવું પડશે.