Chandola Lake redevelopment : ચંડોળા તળાવની નવી શરુઆત: નર્મદાના પાણીથી ભરાશે તળાવ, કાંકરિયાની જેમ બનશે પ્રવાસન કેન્દ્ર
Chandola Lake redevelopment : અમદાવાદના દાણીલીમડા અને ઈસનપુર વિસ્તારમાં આવેલા વિશાળ ચંડોળા તળાવના વિકાસના કામો હવે તેજ ગતિએ આગળ વધી રહ્યાં છે. તળાવને નર્મદાના પાણીથી ભરવાની સાથે તેનું રૂપાંતરણ પણ કરાશે, જે ચંડોળાને શહેરના નવા પ્રવાસન સ્થળ તરીકે ઊભું કરશે.
ચંડોળા તળાવ પર દબાણ હટાવ્યા બાદ વિકાસની શરૂઆત
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 29 અને 30 એપ્રિલે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે 1.5 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરથી આશરે 4,000 ઝૂંપડપટ્ટીઓ અને બાંધકામોને દૂર કર્યા હતાં. એ પછી તળાવના વિકાસ માટે આયોજન મુજબ પહેલો ફેઝ શરૂ થયો છે.
2024માં મંજૂરી મળેલી યોજના, હવે કામગીરી શરૂ
2024માં રાજ્ય સરકારની મંજૂરી મળ્યા પછી ચંડોળા તળાવના રિડેવલપમેન્ટ માટે ગ્રાઉન્ડ લેવલ પર કાર્ય આરંભાયું છે. સમગ્ર તળાવ વિસ્તારને modern urban lakefront તરીકે વિકસાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 ફેઝમાં કામગીરી કરાશે.
27 કરોડના પ્રથમ તબક્કામાં વર્ક વે, જંગલ જિમ અને એમ્ફીથિયેટર
પ્રથમ તબક્કામાં રૂ. 27.53 કરોડના ખર્ચે તળાવની આસપાસની ફરતે વોક વે, ડ્રેનેજ લાઇન, જંગલ જિમ, પાર્ટી પ્લોટ, બ્રાઇડ રૂમ, એમ્ફીથિયેટર, પાણી શુદ્ધિકરણ માટે STP પ્લાન્ટ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ઉપરાંત નર્મદાની કેનાલમાંથી પાણી લાવીને તળાવને બારેમાસ જળમય રાખવામાં આવશે.
તળાવની આસપાસ દીવાલ ઊભી કરીને સુરક્ષા વધારાશે
તળાવના ભવિષ્યમાં કોઈપણ પ્રકારના દબાણથી બચવા માટે તળાવની આખી પરિસર ચારદિવારીથી ઘેરી દેવામાં આવશે. ઈજનેરિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા હાલ તળાવની હદ નક્કી કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને ખાનગી એજન્સીઓની મદદથી સર્વે તેમજ મેપિંગ ચાલી રહ્યું છે.
યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
ચંડોળા તળાવનો કાયમી પરિવર્તન થયા પછી કાંકરિયાની જેમ તે યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દાણીલીમડા, ઈસનપુર, શાહઆલમ, ઘોડાસર અને વટવા જેવા વિસ્તારોના રહેવાસીઓને હરવાફરવા માટે હવે દૂર જવાની જરૂર નહીં રહે – તેમને નજીકમાં જ સુંદર તળાવફ્રન્ટ મળશે.