Chhota Udepur Medical Crisis: છોટાઉદેપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ: સગર્ભાને ઝોલામાં ચાર કિલોમીટર લઈ જવાની ફરજ
Chhota Udepur Medical Crisis: છોટાઉદેપુર જિલ્લાની દૂરસ્થ વિસ્તારમાં આજે પણ મૂળભૂત તબીબી સેવાઓનો અભાવ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરની એક ઘટના એ વાતનો પુરાવો છે કે વિકસિત ગુજરાતના દાવાની પરિસ્થિતિ કેટલા ખરાબ હાલતમાં છે. નસવાડી તાલુકાના ખેંદા ગામમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જતી વખતે ઝોલાની મદદ લેવી પડી હતી.
રાત્રિના સમયે જ્યારે મહિલાને તાત્કાલિક સારવાર જરૂરી બની ત્યારે 108 એમ્બ્યુલન્સ બોલાવાઈ, પણ રસ્તો પથરાળો અને કાચો હોવાને કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહીં. પરિણામે પરિવારે ખાનગી જીપ બોલાવવી પડી, પણ એ જીપ પણ ખરાબ રસ્તાની પરિસ્થિતિમાં પાછી ફરવી પડી. આખરે મહિલાને ઝોલામાં નાખીને ચાર કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તે આવેલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી.
આ ઘટના એકમાત્ર નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે જ્યાં રોડના અભાવમાં સગર્ભા મહિલાઓએ જીવ ગુમાવવો પડ્યો છે. તુરખેડા, ખેંદા, કુકરદા જેવા ગામોમાં આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાઈ છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે વિકાસ જોવા મળતો નથી.
સ્થાનિક લોકોનો કહેવું છે કે તંત્ર માત્ર ચૂંટણી સમયે વચનો આપે છે, પરંતુ ચૂંટણી બાદ કોઈ પગલાં લેતું નથી. તાજેતરમાં સ્થાનિક કોંગ્રેસ નેતાએ પણ સરકાર પર નિશાન સાધ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટના આદેશો બાદ પણ વિકાસ માટે કોઈ પ્રયાસો કરવામાં નથી આવ્યા.
જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું છે કે, રસ્તાની ખરાબ સ્થિતિ 108 એમ્બ્યુલન્સ માટે પણ અવરોધરૂપ બની રહી છે, જેના કારણે સગર્ભા મહિલાઓનો જીવ જોખમમાં રહે છે. હવે જરૂરી છે કે સરકાર તાત્કાલિક પગલાં લે અને ‘વિકસિત ગુજરાત’ના દાવાને ખરેખર સાકાર કરે.
વિકસિત ગુજરાતનો દાવો ત્યારમાં જ સાચો બનશે જ્યારે દરેક ગામમાં મૂળભૂત આરોગ્ય અને માર્ગ સુવિધાઓ પહોંચશે.