કેન્દ્ર દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી કરતા ચણાની ખરીદી બમણાથી વધુ થઈ ગઈ છે. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) પાસે ઉપલબ્ધ માહિતી અનુસાર રવિવારની સાંજના 5 કલાક સુધીમાં રાજ્યમાંથી કુલ ચણાની ખરીદી 3.5 લાખ મેટ્રિક ટન હતી, જેમાં 3.28 લાખ નોંધાયેલા ખેડૂતોમાંથી લગભગ 1.77 લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા.

આ છેલ્લા 20 દિવસમાં 1.52 લાખ મેટ્રિક ટનનો વધારો દર્શાવે છે. 4 એપ્રીલ સુધીમાં, પ્રાપ્તિ 1.98 લાખ મેટ્રિક ટન હતી. જેની સરખામણી માટે, કેન્દ્રએ 2020-21ની સમગ્ર ખરીદીની સિઝન દરમિયાન ગુજરાતમાંથી 1.51 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી હતી, જે રાજ્યમાંથી અત્યાર સુધીની સૌથી વધુ છે. આ કારણે 3.5 લાખ મેટ્રિક ટન પર ચાલુ પ્રાપ્તિની સિઝનમાં હજૂ પાંચ અઠવાડિયા બાકી હોવાથી આ વર્ષની પ્રાપ્તિ બમણા કરતાં પણ વધુ છે.
કેન્દ્ર સરકારે ચણાનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને 5,230 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (10 ક્વિન્ટલ એક મેટ્રિક ટન બનાવે છે) નક્કી કર્યો છે. તે દરે ગુજરાતમાંથી અત્યાર સુધીની ખરીદી રૂપિયા 1,833 કરોડની છે.
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 2.22 લાખ ખેડૂતોને SMS એલર્ટ મોકલ્યા છે, તેમને તેમની જણસને નજીકના ખરીદ કેન્દ્ર પર લાવવાનું જણાવવામાં આવ્યું છે. જેમાંથી 1.77 લાખ ખેડૂતો પોતાની ઉપજ (જણસ) સાથે ખરીદી કેન્દ્રો પર આવ્યા છે.
ખેડૂતો પાસેથી ખરીદેલા ચણાની બેગિંગ માટે જરૂરી શણની થેલીઓનો ઓછો સ્ટોક હોવાને કારણે ખરીદી થોડી ધીમી છે, પરંતુ અમે મે મહિનામાં ખરીદીની કામગીરી પૂરી થાય ત્યાં સુધીમાં તમામ ખેડૂતોને આવરી લેવાનો અમને વિશ્વાસ છે.
સૌરાષ્ટ્રની બહાર મહેસાણા (6,142 ખેડૂતો પાસેથી 13,500 મેટ્રિક ટન, પાટણ (5,719 ખેડૂતો પાસેથી 12,982 મેટ્રિક ટન) અને ઉત્તર ગુજરાત પ્રદેશમાં સાબરકાંઠા (3,220 ખેડૂતો પાસેથી 5,354 મેટ્રિક ટન) એવા જિલ્લાઓ છે, જ્યાં કેન્દ્ર દ્વારા મોટી ખરીદી કરવામાં આવી છે.
આ સિઝનમાં કુલ 3.28 લાખ ખેડૂતોએ તેમના ચણા કેન્દ્ર સરકારને વેચવા માટે રાજ્ય સરકારમાં નોંધણી કરાવી છે. 1 માર્ચથી ખરીદી શરૂ થઈ હતી અને કેન્દ્ર સરકાર વતી કઠોળના પાકની ખરીદી કરી રહેલી નાફેડે સમગ્ર રાજ્યમાં 187 ખરીદ કેન્દ્રો સ્થાપવાની મંજૂરી આપી છે.