ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે બન્ને પક્ષો દ્વારા પ્રચાર કરવામાં કરવામાં આવી રહ્યો છે. 27 નવેમ્બરને સોમવારે બપોરે 1.20 વાગે જસદણમાં નરેન્દ્રર મોદીની સભા યોજાશે. સભાસ્થળે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે 200 રૂપિયા આપી સ્કૂલના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઉચ્ચ અધિકારીઓ સભાસ્થળે હાજર હોવા છતાં બાળકો મજૂરી કરતા જોવા મળ્યા
જસદણના કાળાસર રોડ પર આવેલા મેદાનમાં નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધો.8માં અભ્યાસ કરતા સ્કૂલના બાળકો પણ મજૂરી કરતા નજરે પડ્યા હતા. તૈયારીની દેખરેખ માટે સભાસ્થળે આઈ.જી., એસ.પી., ડી.ડી.ઓ. સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હોવા છતાં પણ બાળકો મજૂરી કરતા નજરે પડ્યા હતા. એક વાલીએ જણાવ્યું હતું કે, 200 રૂપિયા મળતા હોય અમારા બાળકોને સ્કૂલે જવા દેવાને બદલે કામ કરવા લઇ ગયા હતા અને તેમાં અમારા બાળકોને પણ વાંધો નથી.
આ આયોજન સરકારનું નથી પરંતુ રાજકીય પક્ષનું છે: પ્રાંત અધિકારી
આ મામલે જસદણ પ્રાંત અધિકારી એ.એચ.ચૌધરી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ આયોજન સરકારનું નથી પરંતુ રાજકીય પક્ષનું છે. આ બાબત ધ્યાન પર આવી નથી પરંતુ આ મામલે તેઓ તપાસ કરાવશે તેવી ખાતરી આપી હતી.