Children eye disease mobile use : મોબાઇલનાં વધતા ઉપયોગથી ગુજરાતમાં બાળકોની આંખની તકલીફો ત્રણ ગણી વધી: એક વર્ષમાં 8 હજાર કેસ નોંધાયા
Children eye disease mobile use : ટેક્નોલોજીના આ યુગમાં સ્માર્ટફોન બાળકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. પરંતુ તેનો અતિરેક ઉપયોગ બાળકીઓના દ્રષ્ટિ પર ગંભીર અસરો કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં બાળકોમાં આંખ સંબંધિત રોગના 8000થી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી 21% બાળકોની આંખ ત્રાંસી થઈ ગઈ છે અને 25% બાળકોના દ્રષ્ટિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
મોબાઇલથી આંખ પર પડતો તણાવ:
આજની પેઢીનો મોટો હિસ્સો મોબાઇલ સ્ક્રીન સામે વધુ સમય વિતાવે છે. આંખના નિષ્ણાતો જણાવે છે કે સ્ક્રીન પર સતત જોતા રહેવાથી પલક ના મારવાનું ટેવ પડે છે, જેના કારણે આંખો ડ્રાય થઈ જાય છે. સાથે સાથે, આંખો પર સતત તાણ પડે છે અને ધીમે ધીમે દ્રષ્ટિમાં સમસ્યા સર્જાય છે.
વધુ પડતો સ્ક્રીન ટાઈમ અને માતા-પિતાની ભૂમિકા:
અહીં મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ઘણા માતા-પિતા બાળકોને શાંત કરવા માટે મોબાઇલ આપે છે. એકવાર આ ટેવ લાગી જાય પછી બાળક સરળતાથી તેની આદતમાંથી બહાર આવી શકતું નથી. બાળકો જ્યારે ખૂબ જ નજીકથી અને સતત સ્ક્રીન જુએ છે ત્યારે તેને આંખો ખેંચવી પડે છે, જેના કારણે આંખ ત્રાંસી થવાની શક્યતા વધી જાય છે.
નિષ્ણાતો શું કહે છે?
“બાળકોમાં કુદરતી પોઝિટિવ નંબર હોય છે, જે સમય જતાં ઘટે છે. પરંતુ જો બાળક સ્ક્રીન ખૂબ નજીકથી અને વધુ સમય માટે જુએ છે તો આ દૃષ્ટિ સુધરવાને બદલે ખરાબ થવાનું શરૂ થાય છે. જો સમયસર ધ્યાન ન અપાય તો આંખ ત્રાંસી થવા લાગે છે.”
બાળકના પિતાનો અનુભવ
“મારા પુત્રની આંખ ત્રાંસી થઈ ગઈ હતી…”
વડોદરાના રહેવાસી એક પિતાએ જણાવ્યું કે, “મારો પુત્ર રોજ સવારે અને સાંજે મળીને 4 કલાક મોબાઇલ ચલાવતો હતો. તેને વાત સમજાવીએ તો રીસાઈ જતો. એક દિવસ અમારું ધ્યાન ગયું કે તેની એક આંખ ત્રાંસી થઈ ગઈ છે. તરત જ તેની આંખોની તપાસ કરાવી અને હવે સારવાર પછી હાલત સારી છે.”
બીજો અનુભવ:
બીજા એક વાલીએ જણાવ્યું કે, “મારું બાળક મોબાઇલનો વધુ ઉપયોગ કરતું હતું અને અચાનક એની આંખ ત્રાંસી થઈ ગઈ. હાલ તેની સારવાર ચાલુ છે.”
બાળકોની આંખોને બચાવવા શું કરી શકાય?
20-20-20 નિયમ અપનાવો:
દર 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવાનું અને આંખોને આરામ આપવાનું ભુલશો નહિ.
વય મુજબ સ્ક્રીન ટાઈમની ભલામણ:
2 વર્ષથી ઓછા બાળક માટે સ્ક્રીન ટાઈમ ટાળવો
2 થી 5 વર્ષના બાળક માટે 1 કલાક દિનચર્યા સુધી મર્યાદિત રાખવો
6 વર્ષથી વધુના બાળકો માટે આઉટડોર પ્રવૃત્તિ સાથે સંતુલન જાળવવો
અન્ય સૂચનો:
સ્ક્રીનનો અંતર 18-24 ઈંચ રાખો
એન્ટી-ગ્લેર સ્ક્રીનનો ઉપયોગ કરો
બ્લૂ લાઈટ ફિલ્ટર વાળા ચશમા પહેરવા
દરરોજ ઓછામાં ઓછા 2 કલાક આઉટડોર પ્રવૃત્તિ માટે સમય ફાળવો
જિલ્લાવાર નોંધાયેલા મુખ્ય કેસ:
જિલ્લો કેસોની સંખ્યા
પંચમહાલ 1000
જામનગર 1000
વલસાડ-વાપી 1000
ડાંગ 600
તાપી 600
જૂનાગઢ 600
પાટણ 530
કચ્છ 500
ભરૂચ 400
પાલનપુર 300
અમરેલી 250
નડિયાદ 250
દાહોદ 250
સુરેન્દ્રનગર 250
મહેસાણા 200
મોરબી 100
નવસારી 100
આણંદ 70
ટેક્નોલોજી જીવનને સરળ બનાવે છે, પણ તેનું સચોટ અને મર્યાદિત ઉપયોગ જ લાભદાયક છે. બાળકોના ભવિષ્ય અને દ્રષ્ટિના આરોગ્ય માટે અભિવાહકોને સમયસર સતર્ક થવાની જરૂર છે.