ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20 % નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે , આ ઘટાડો ગઈકાલ મધ્યરાત્રીથી અમલમાં આવશે. જેને લઈને આગામી દિવસોમાં હવાઈ મુસાફરી સસ્તી બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
જાણકારોના કહેવા મુજબ, મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ ગત 13મી ડિસેમ્બરે ATF ના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો. ત્યારે હવે આ વધુ 20 ટકા ઘટાડાને પરિણામે ATF પર રાજ્યમાં 5 ટકાનો મૂલ્ય વર્ધિત દર રહેશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20% નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે જે આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે. મુખ્યમંત્રીએ ગત 13મી ડિસેમ્બરે ATF દરોમાં 5% નો ઘટાડો કર્યો હતો, આ વધુ 20% ઘટાડાને પરિણામે ATF પર 5% નો મૂલ્ય વર્ધિત દર રહેશે.
— CMO Gujarat (@CMOGuj) January 4, 2022
રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે આગામી દિવસોમાં એર કંપનીઓ દ્વારા હવાઇ ભાડાના દરમાં ઘટાડો કરવામાં આવશે. જેથી વધુમાં વધુ લોકો હવાઇ મુસાફરી કરશે અને રાજ્યમાં પ્રવાસન પ્રવૃતિને પણ વેગ મળશે તે હેતુસર આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.