રીના બ્રહ્મભટ્ટ દ્વારા:
કોઈપણ ભોગે ગુજરાતની ચુંટણી જીતવા ઉતાવળા થયેલા રાહુલ ગાંધી માટે અનેક પડકાર પણ છે. જેમાં પાટીદારો એ અનામત આપવા અંગે આજના દિવસની અલ્ટીમેટમ આપેલ છે. અને હાલ આ હવાલો કપિલ સિબ્બલને સોપવામાં આવ્યો છે, ત્યારે એમ પણ જાણવા મળ્યું છે કે, કપિલ સિબ્બલે રીપોર્ટ તૈયાર કરી દીધો છે. અને બની શકે કે, સોનિયા ગાંધી પટેલ આરક્ષણ મામલે ગમે ત્યારે જાહેરાત કરી શકે. ત્યારે હાલ આ લોલીપોપના પગલે પાટીદારો પણ કોંગ્રેસ શું જાહેર કરે છે? તે જાણવા તલપાપડ છે. જો કે, આ મામલો જ એટલો પેચીદો છે કે, એમ આસાની થી કોંગ્રેસ ઈચ્છે તો પણ પાટીદારોને બક્ષી પંચમાં એમ ન ભેળવી શકે . કેમ કે આ એક બંધારણીય પડકાર છે. તેમજ સુપ્રીમે ૪૯ % થી વધુ અનામત નહિ આપવાની તરફેણ કરી છે. વળી પાટીદારોને આપે તો બીજા સમાજો કે જાતિઓ પણ આ પ્રકારે અનામત માંગી શકે છે. અથવા સમાજમાં ભારે વર્ગ વિગ્રહ અને અનેક પ્રકારના આંદોલન ઉભા થવાનો ખતરો છે. એટલે બીજા શબ્દોમાં તમે કહી શકો કે, વીંછીનો દાબડો ખોલવા જેવી બાબત છે.
અને કોંગ્રેસ પણ આ વાત સમજે જ છે અને તેથી જ તે હાર્દિકના સવાલોના જવાબ ટાળી રહી છે. વિશેષમાં આ મુદ્દે જ અલ્પેશ ઠાકોર હાર્દિક વિરુદ્ધ અનામત નહિ આપવા ઉભો થયેલ છે. ત્યારે આ બંને પરસ્પર વિરૃદ્ધ માંગણીવાળા નેતાઓ સાથે તાલ મિલાવી ચાલવું કોંગ્રેસ માટે મોટી કસોટી છે.
જો કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ માં સામેલ થતા પહેલા કોંગ્રેસ સમક્ષ શરત મૂકી હતી કે, કોંગ્રેસ વધુમાં વધુ માત્રામાં તેના સમર્થકોને ટીકીટ ફાળવાશે.ત્યારે ઉત્તર ગુજરાતમાં પટેલો પણ એટલી જ માત્રા માં છે. અહી કડવા પટેલો મોટી માત્રામાં છે. જો કે, અગાઉ પટેલોમાં કડવા અને લેઉવા એમ અલગ પડતા પરંતુ અનામતની આંધીએ હાલ આ ફર્ક મિટાવી દીધો છે. અને પટેલો કોઈપણ ભોગે અનામત લેવા અધીરા બન્યા છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં અગર ઠાકોર સમાજના લોકોને જ મહત્વ આપવામાં આવે તો મામલો બગડી શકે છે. વિશેષમાં ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોરનું આંદોલન હાર્દિક સામે છે. તેથી ઉત્તર ગુજરાતમાં પટેલો અને ઠાકોરો વચ્ચે ટક્કર જામી પણ શકે. ત્યારે રાહુલ ગાંધી માટે એક મ્યાનમાં બે તલવાર સાચવવા જેવી સ્થિતિ છે.
તો બીજી તરફ અગર કોંગ્રેસ પાટીદાર તરફી કોઈ જાહેરાત કરે છે તો સ્થિતિ બદલાઈ શકે. અને અગર કોઈ રસ્તો નહિ શોધી શકે તો પાટીદારો એનસીપી તરફ પણ જઈ શકે, કે શિવસેના કે પછી બેક ટુ પેવેલિયનની જેમ ભાજપ તરફી પણ ઢળી શકે.કેમ કે, કોંગ્રેસ તરફ એકજુથ થવાનું કારણ જ આ છે બાકી પાટીદારો આજે પણ કોન્ગ્રેસ નો ભૂતકાળ ભૂલ્યા નથી.
આ સ્થિતિ માં ભાજપમાં ઓલરેડી ૧૨૦ વિધાય્કોમાં થી ૪૪ જેટલા પાટીદાર છે જ. તેથી પાટીદારો કદાપી ભાજપ સામે એ આક્ષેપ લગાવી શકે એમ નથી કે, ભાજપ પાટીદાર વિરોધી છે. અને ભાજપના આ ૪૪ ના આંકડા સામે કોંગ્રેસ શું આટલા મોટા પ્રમાણમાં પાટીદારોને ટીકીટો આપી શકશે ? તે એક મોટો પડકાર કોંગ્રેસ સામે છે ? અને અગર આપવા ઈચ્છે તો સામે જીગ્નેશ મેવાની છે, અને એનાથી પણ વધુ અલ્પેશ ઠાકોર છે. ત્યારે કોંગ્રેસ માટે આ એક મોટો પડકાર છે. કે કોને સંભાળવા અને કેવી રીતે સંભાળવા ? કેમ કે, જીગ્નેશ મેવાનીની માંગણી અગર અલગ છે તો અલ્પેશ v/s હાર્દિક નો મામલો કોંગ્રેસ માટે એક સાથે અનેક મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. અને એનાથી પણ વધુ અનામત અંગે કોંગ્રેસ શું ફેસલો લે છે? અને ત્યાર બાદ ઠાકોર સમાજની શું પ્રતિક્રિયા આવે છે તે વેઇટ એન્ડ વોચ નો વિષય છે..