મોરબીમાં તરખાટ મચાવતી ઘટનામાં કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાની ધરપકડ કરાઈ છે. મોરબી પોલીસે લાંચ માંગવાના આરોપ હેઠળ સાવરીયાને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે સાવરીયા ઉપરાંત વકીલ ભરત ગણેશ, વિભાગીય એન્જિનિયર સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે.
વિગતો મુજબ માઈક્રો ઈરીગેશન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર પાસેથી 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. સૌદો 60 લાખ રૂપિયામાં નક્કી કરાયો હતો. વકીલ ભરત ગણેશ દ્વારા રૂપિયા લેવામાં આવી રહ્યા હતા. એન્જિનિયરે પોલીસનો સંપર્ક કરી કેસ કરતા મોરબીના એસપી દ્વારા ધારાસભ્ય પરષોત્તમ સાવરીયાને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગના કરોડો રૂપિયાના કૌભાંડને દબાવી દેવા માટે ધારાસભ્યને લાંચ આપવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હતો. સરકારી વિભાગ દ્વારા ધારાસભ્ય સામે લાંચની ફરીયાદ ઘણી બધી રીતે ચોંકવાનારી છે. કદાચ ગુજરાતમાં આવો બનાવ પ્રથમ વખત જ નોંધાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
મોરબી પોલીસે જણાવ્યું કે સિંચાઈ વિભાગના 20 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો હતો. ફરીયાદોના આધારે ધણી બધી જગ્યાએ કામ પૂર્ણ કર્યા વિના જ રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી હતી. ધારાસભ્ય પરષોત્તમ સાવરીયા દ્વારા કૌભાંડ અંગે ફરીયાદ કરવામાં આવતા મામલાને પતાવવા માટે 60 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. સૌદો 35 લાખમાં નક્કી થયો પણ તે પહેલાં જ સરકારની સૂચનાથી એન્જિનિયરે ધારાસભ્ય અને વકીલ સહિત 4 જણાની સામે ફરીયાદ કરતા પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. કોંગ્રેસે આ ઘટનાને રાજકીય હતુ પ્રેરિત અને કૌભાંડને દબાવી દેવા માટે કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હોવાનું કહ્યું છે. પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી છે.