ગાંધીનગરઃ ચુંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતમાં કોરોના ફેલાવાની ગતિ ફૂલ સ્પીડમાં આવી ગઈ છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં દૈનિક કેસનો આંકે 500ની સપાટી વટાવી હોય તેવું 17 જાન્યુઆરી એટલે કે 47 દિવસમાં પ્રથમવાર બન્યું છે. હાલમાં 2858 એક્ટિવ કેસ છે જ્યારે 43 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ એક મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક 4413 છે. રાજ્યમાં અત્યારસુધી કોરોનાના કુલ 272240 કેસ નોંધાઇ ચૂક્યા છે.
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા એમ 3 જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 113-ગ્રામ્યમાં 2 સાથે ૧૧૫, સુરત શહેરમાં 101-ગ્રામ્યમાં 9 સાથે 110 અને વડોદરા શહેરમાં 99-ગ્રામ્યમાં 4 સાથે 103 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંક અમદાવાદમાં 63329, સુરતમાં 54280 અને વડોદરામાં 30273 છે.
રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 56 સાથે વડોદરા, 13 સાથે જામનગર, 12 સાથે ગાંધીનગર, 11 સાથે જુનાગઢ-કચ્છ, 9 સાથે ખેડા-આણંદ, 8 સાથે સાબરકાંઠા-ભરૃચ, 6 સાથે મહીસાગર-ગીર સોમનાથ-પંચમહાલ, 4 સાથે નર્મદા, 2 સાથે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમરેલી, દાહોદ, મોરબી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ડાંગ, 1 સાથે ભાવનગર-નવસારી-છોટા ઉદેપુર-પોરબંદરનો સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. કોરોનાથી સૌથી વધુ મૃત્યુ નોંધાયું હોય તેમાં અમદાવાદ 2316 સાથે મોખરે, 976 સાથે સુરત બીજા અને વડોદરા 240 સાથે ત્રીજા સ્થાને છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 102, સુરતમાંથી 81, વડોદરામાંથી 61 એમ રાજ્યભરમાંથી 405 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 2649696 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 97.33% છે. છેલ્લા 24 કલાકમાં 43194 ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક 1.19 કરોડ છે. હાલમાં 22158 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.