અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ ખતરનાક સપાટીએ પહોંચ્યો છે ત્યારે કોરોના અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં વધુ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે. જાદુગરની દુનિયામાં ખ્યાતનામ એવા જુનિયર કે.લાલ એટલે કે જાણિતા જાદુગર હર્ષદરાવ વોરાનું કોરોનાના કારણે નિધન થયું છે.
બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. કે.લાલ અને જુનિયર કે.લાલ જાદુગર તરીકે એટલા પ્રસિદ્ધ હતા કે જાદુના શોનો બીજો પર્યાય કે. લાલ થયો હતો. જુનિયર કે.લાલના અવસાનને કારણે ગુજરાતીઓમાં શોકની લાગણી છવાઇ છે.
જુનિયર કે. લાલને તેમના માતાપિતા જાદુના ક્ષેત્રમાં લાવવા માંગતા ન હતા. બહું ઓછા લોકોને ખબર હશે કે, જુનિયર કે.લાલ જાદુની દુનિયામાં પિતાની મદદ વગર જ કોઇને ખબર ન પડે તે રીતે આવ્યા હતા.
નોંધનીય છે કે, રવિવરે અન્ય એક ગુજરાતી કવિ-પત્રકાર, શાયર અને જીંદાદીલ ઇન્સાન જનાબ ખલીલ ધનતેજવીનું પણ દુ:ખદ નિધન થયું છે. તેઓ સારવાર લઈ રહ્યા દરમિયાન શ્વાસની તકલીફ થતા 82 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે. ખલીલ ધનતેજવીની અનેક ગઝલો, કવિતાઓ, શાયરી રાજ્યની કેટલીય પેઢીને કંઠસ્થ છે. આજે તેમના નિધનના પગલે સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે.
મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ સાબ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.