CR Patil : પહેલગામ હુમલા બાદ પાટીલનો કડક ઈન્કાર – માન સન્માન પછી
CR Patil : પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશમાં ઉંડો શોક છવાયો છે. દેશભરના નાગરિકો આતંકીઓ સામે કડક પગલાં લેવા સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલએ એક નોંધપાત્ર નિર્ણય લીધો છે. સુરતના ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં તેઓએ સ્પષ્ટ જાહેરાત કરી કે જ્યાં સુધી પહેલગામ હુમલાનો યોગ્ય બદલો લેવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારનું સન્માન સ્વીકારશે નહીં.
આ નિર્ણય તેમણે અવધ ઉટોપિયા ખાતે આયોજિત સમિટમાં જાહેર કર્યો હતો જ્યાં વિભિન્ન શહેરોના રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા પાટીલનું સન્માન કરવાની તૈયારી હતી, પરંતુ તેમણે મોમેન્ટો કે બુકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. પાટીલે માત્ર ગ્રુપ ફોટો પડાવ્યું અને તેમનું આ વલણ ઘણું જ સંકેતસભર રહ્યું.
પાટીલના શબ્દોમાં, “મને જયાં સુધી હુમલાનો પ્રતિસાદ મળતો ન દેખાય, ત્યાં સુધી કોઈ સન્માન સ્વીકારવાનું નથી. દેશની જનભાવનાનો આદર રાખવો જોઈએ.”
પ્રસ્તાવના દરમિયાન પાટીલએ શેરબજાર, વિશ્વમાં ભારતના ઊભરતા દરજ્જા અને બજારમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે પણ વાત કરી. તેમણે ઉમેર્યું કે દેશના અર્થતંત્રના પ્રતિબિંબ તરીકે શેરબજાર ઊભરતું જાય છે, જે ભારતના રાજકીય સ્થિરતા અને વિકાસની સાક્ષી છે.
પાર્ટી પ્રમુખ બન્યા બાદથી પાટીલનું વર્તન અલગ જ પ્રકારનું રહ્યું છે. તેઓ સ્ટેજ પર સોફા પર બેસવાને બદલે સામાન્ય કાર્યકર્તાઓની વચ્ચે બેઠા છે.
તેઓએ આજે જે સંકલ્પ જાહેર કર્યો છે તે માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, પણ રાષ્ટ્રીય દુઃખમાં સહભાગી થવાનો એક સંવેદનશીલ સંદેશ છે.