Cryptocurrency scam in Surat: બેન્કિંગ નિયમોના વિરુદ્ધ 335 કરોડનો મોટો ધંધો પકડાયો
Cryptocurrency scam in Surat: સુરત શહેરમાંથી વધુ એક ફ્રોડ પકડાયો છે, જેમાં આઇટી કંપનીઓની આડમાં નાણાકીય ગેરરીતિઓ કરી કરોડો રૂપિયા દુબઈ મોકલાતા હતા. આરોપીઓએ SEBI અને RBI જેવી નાણાકીય એજન્સીઓની કોઈ પણ મંજૂરી લીધા વગર ઊંચા નફાના લોભે લોકો પાસેથી રોકાણ કરાવ્યું અને ત્યારબાદ તે પૈસા ક્રિપ્ટો કરન્સી (USDT) દ્વારા દુબઈ ટ્રાન્સફર કર્યા.
કેટલાય શહેરોમાં દરોડા, 335 કરોડના ટ્રાન્ઝેક્શન્સના પુરાવા મળ્યા
સુરત સાઇબર ક્રાઈમ સેલે ઉત્રાણ સ્થિત “પ્રગતિ આઇટી પાર્ક” અને રાજકોટની શીતલપાર્ક ચોકની ઓફિસોમાં દરોડા પાડી સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, ડીજી પોકેટ સોલ્યુશન તથા પ્રાવીયો સોલ્યુશન જેવી સંસ્થાઓની તપાસ કરી. સર્ચ દરમિયાન 335 કરોડથી વધુના ઓનલાઈન અને આંગડિયા વ્યવહારોના ડોક્યુમેન્ટ મળ્યા.
ઉંચા રિટર્નની લાલચ, સોશિયલ મીડિયામાં વિજ્ઞાપનો
આ કંપનીઓ સોશિયલ મીડિયા અને કોલ માર્શલિંગ દ્વારા 7% થી 11% સુધીની માસિક આવકના વાયદા કરતી હતી. ખાસ કરીને વેપારીઓ અને નોન-ટેકનિકલ વ્યક્તિઓને આ લાલચ આપીને રોકાણ માટે આકર્ષતા હતા.
દુબઈથી જોડાયેલું નેટવર્ક અને વોન્ટેડ આરોપીઓ
મુખ્ય આરોપી દિપેન ધાનક અને તેના પિતા નવીનચંદ્ર ધાનક હાલમાં દુબઈમાં છે. તેમનું નેટવર્ક ભારત અને દુબઈ વચ્ચે ચાલી રહ્યું છે. આરોપીઓ પૈકી ડેનીશ ઉર્ફે હેમલ ધાનક, જયસુખ પાટોળીયા અને યશકુમાર પાટોળીયાની ધરપકડ થઈ છે જ્યારે અન્ય 10 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે.
રોકડ રકમ, મોબાઇલ, લેપટોપ અને ડેટા પણ જપ્ત
સુરત અને રાજકોટની ઓફિસોમાંથી 40 લાખથી વધુની રોકડ રકમ, અનેક મોબાઇલ ફોન, લેપટોપ, ટેબલેટ અને ટ્રાન્ઝેક્શન ડેટા જપ્ત કર્યો છે. પોલીસે આંગડિયા થકી થયેલા લેન્ડિંગ રેકોર્ડ્સ પણ સીલ કર્યા છે.
દેશભરના 26 લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યો
નેશનલ સાઇબર ક્રાઈમ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, આ કૌભાંડના સંબંધમાં દેશભરમાંથી 26 ફરિયાદો નોંધાઈ છે — જેમાં બિહારથી મણીપુર સુધીના અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
ઇવેન્ટ્સ થકી વિશ્વાસ મેળવાનો પ્રયાસ
આ રેકેટ ચાલતી કંપનીઓએ રોકાણકારોને આકર્ષવા માટે દમણ અને થાઈલેન્ડમાં શાનદાર ઇવેન્ટ્સ પણ યોજી હતી. ઉદ્દેશ હતો લોકોનો વિશ્વાસ જીતવો અને રોકાણ લાવવું.