CWC Meeting 2025: કોંગ્રેસના CWC અધિવેશનમાં ‘સરદાર’ કેન્દ્ર સ્થાને: રાહુલે કહ્યું – ‘અમે માત્ર દલિત-મુસ્લિમ-બ્રાહ્મણમાં અટવાયેલા રહ્યા’
CWC Meeting 2025: ગુજરાતમાં 64 વર્ષ બાદ આજે કોંગ્રેસે મોટી રાજકીય ઉપસ્થિતિ નોંધાવી છે. અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે યોજાયેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીના (CWC) અધિવેશનમાં સરદાર પટેલને કેન્દ્રસ્થાને રાખીને આખી બેઠક ચાલતી રહી. આજના દિવસે CWC સભ્યો, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે ‘PATEL: A LIFE’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને સરદારના વિચારો પર આધારિત મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
રાહુલ ગાંધીનો સ્વીકાર: “અમે દલિત-મુસ્લિમમાં અટવાયા, OBC દુર થયુ “
CWC બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે પાર્ટી માત્ર દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ સમાજમાં જ ઝઝૂમી રહી છે, જ્યારે OBC સમુદાયથી તેમનો સંપર્ક તૂટી ગયો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “અમે મુસ્લિમોની વાત કરીએ એટલે અમને એકતરફી માનવામાં આવે છે, પરંતુ સત્ય બોલવાનું અને મુદ્દા ઉઠાવવાનું નહીં છોડવું જોઈએ.”
ચિદમ્બરમની તબિયત લથડી, ઝાયડસ હોસ્પિટલમાં દાખલ
બપોર પછી કોંગ્રેસના નેતાઓ સાબરમતી આશ્રમ ગયા હતા, જ્યાં પ્રાર્થનાસભા યોજાઈ. ત્યાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને ચક્કર આવતાં તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટર કેતન પટેલ અનુસાર, તેઓને ડિહાઇડ્રેશનના લીધે તકલીફ થઈ હતી અને હાલત સ્થિર છે. તેમને એક દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
ગાંધી આશ્રમથી રિવરફ્રન્ટ સુધી કાર્યક્રમો
પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
CWC પ્રસ્તાવમાં સરદારના માર્ગે ખેડૂતો, મજૂરો અને એકતા પર ભાર
CWCમાં પસાર કરાયેલા મુખ્ય પ્રસ્તાવમાં સરદાર પટેલના વિચારોને આધારે આજની સરકારની નીતિઓની તીવ્ર ટીકા કરવામાં આવી. પાર્ટીનું કહેવું છે કે આજની ભાજપ સરકારે:
ત્રણ કૃષિ કાયદા લાવીને ખેડૂતોની ન્યાયની લડતને દબાવી.
મજૂરોના હક્કો પર હુમલો કર્યો.
અર્થતંત્રના સ્તરે મુઠ્ઠીભર મિત્રો માટે નીતિ ઘડી.
પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભાજન દ્વારા દેશને નફરત તરફ દોરી ગયું.
કોંગ્રેસે ફરી એકવાર સરદાર પટેલના માર્ગે ચાલીને દેશની એકતા, ન્યાય અને બંધારણની રક્ષા માટે સંઘર્ષ શરૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
ખડગેની વાત: “ગુજરાતથી સૌથી વધુ શક્તિ મળી છે”
CWCની શરૂઆતમાં અધ્યક્ષ ખડગેએ કહ્યું કે કોંગ્રેસના 140 વર્ષના ઇતિહાસમાં ગુજરાત એક એવું રાજ્ય રહ્યું છે, જ્યાંથી પાર્ટીને સૌથી વધુ શક્તિ મળી છે. “અમે ફરી અહીંથી પ્રેરણા લેવા આવ્યા છીએ,” એમ તેમણે જણાવ્યું.
9 એપ્રિલે ભવ્ય રાષ્ટ્રીય અધિવેશન
કાલે 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 3,000 પ્રતિનિધિઓ ભાગ લેશે. આ અધિવેશન ‘ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ’ થીમ હેઠળ યોજાશે. અહીં ગુજરાત માટે સંઘઠન મજબૂત બનાવવાની નવી દિશા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર થવાની અપેક્ષા છે.