Cyber Fraud Network Surat: ‘IV Trade’ અને ‘Sky Growth’ જેવી બોગસ કંપનીઓ દ્વારા ફેલાયેલું જાળ
Cyber Fraud Network Surat: સુરત શહેરના સાયબર ક્રાઈમ સેલે એક એવી આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે શેરબજારમાં રોકાણના બહાને લોકોને ઊંચા વળતરની લાલચ આપી રૂ. 235 કરોડથી વધુની છેતરપિંડી કરી રહી હતી. અહીં માત્ર બેંક ટ્રાન્ઝેક્શનથી નહીં, પરંતુ ‘આંગડિયા’ મારફતે પણ અંદાજે 100 કરોડ રૂપિયા જેટલો નાણાકીય વ્યવહાર કરાયો હોવાનું સામે આવ્યું છે.
જુઠ્ઠી કંપનીઓના ગોળચક્કરથી 11 હજાર લોકો થયાં શિકાર
આ ગેંગે ‘IV Trade (Innovative Trade)’ અને ‘Sky Growth Wealth Management’ જેવી બોગસ કંપનીઓ ઉભી કરીને લોકોના વિશ્વાસ સાથે રમત રમી હતી. દર મહિને 7% થી 11% સુધીના કમાણીના આશ્વાસન સાથે રોકાણ કરાવડાવાતા, લોકો 18 મહિના સુધી ફસાઈ રહેતા. પોલીસે જણાવ્યુ કે અંદાજે 11,000 જેટલા લોકો આ યોજના સાથે જોડાયેલા હતાં.
પિરામિડ સ્કીમનો ઉપયોગ: “MLM” ના નાટક હેઠળ વેચાણ
આ છેતરપિંડી મલ્ટિ લેવલ માર્કેટિંગ (MLM) પદ્ધતિ પર આધારિત હતી. અહીં જૂના સભ્યોએ નવા સભ્યો લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા અને તેમને રેન્ક મુજબ બોનસ મળતો.
રોકાણના આધાર પર આપવામાં આવતી રેન્ક:
બ્રોન્ઝ: $25,000 (અંદાજે ₹20.85 લાખ)
સિલ્વર: $50,000 (અંદાજે ₹41.70 લાખ)
ગોલ્ડ: $100,000 (અંદાજે ₹83.40 લાખ)
પ્લેટિનમ: $250,000 (અંદાજે ₹2.08 કરોડ)
સુરત અને રાજકોટમાં દરોડા, પકડાયા મુખ્ય આરોપી
21 જૂને સુરતના વીઆઈપી સર્કલ વિસ્તારમાં આવેલી ‘Innovative Trade’ની ઓફિસ પર પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ રાજકોટમાં ‘Sky Growth’ની ઓફિસ પરથી પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધી ત્રણ આરોપીઓને પકડી લીધા છે:
ડેનિશ ઉર્ફે હેમલ ધાનક (રાજકોટ)
જયસુખ પટેલ (સુરત)
યશ પટોળીયા (સુરત)
તેમજ, વધુ 11 લોકો ફરાર છે જેમાં કેટલાક મુખ્ય આરોપી દુબઈ ભાગી ગયા છે.
ધરપકડ દરમિયાન શું મળ્યું? પોલીસનો મોટો મુદ્દામાલ કબજો
સુરતથી મળેલી વસ્તુઓ:
મોબાઇલ ફોન: 4 (કિંમત ₹1.52 લાખ)
લેપટોપ: 5 (કિંમત ₹2.10 લાખ)
ટેબ્લેટ: 3 (કિંમત ₹75,000)
રોકડ: ₹20.02 લાખ
અન્ય દસ્તાવેજો, ડાયરી, રાઉટર, ચેક વગેરે
રાજકોટથી મળેલ સામાન:
મોબાઇલ: 3
પાનકાર્ડ: 5
ડેબિટ કાર્ડ: 2
સી.પી.યુ., સ્ટેમ્પ, દસ્તાવેજો
રોકડ: ₹16.85 લાખ
કુલ રોકડ: ₹36.87 લાખ
26 રાજ્યોમાં નોંધાઇ ફરિયાદો, નેટવર્ક દાયરો ચોંકાવનારો
જ્યારે પોલીસે આરોપીઓના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે સમગ્ર ભારતના 26 રાજ્યોમાં આ એકાઉન્ટ્સ સામે ફરિયાદો નોંધાઈ છે. જેમાં બિહાર, પ. બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
આ એકાઉન્ટ્સ મારફતે 235 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. એટલે કે આ ગેંગ દેશભરમાં મોટાપાયે છેતરપિંડી આચરવામાં આવી છે.
દુબઈથી ચાલતું નેટવર્ક, પોલીસને આંતરરાષ્ટ્રીય તપાસનો સામનો
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું કે, કેટલાક મુખ્ય દૂષિત તત્વો હાલ દુબઈમાં છુપાયા છે અને પોલીસે તેમને પકડવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ માટે પગલાં શરૂ કર્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે ભારતમાં Cyber Fraud ની ખતરનાક વૃદ્ધિ થઈ રહી છે અને તેમાં દેશના નાગરિકોનું નાણાકીય નુકસાન થાય છે.