શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનો ફૂંકાવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે જ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડવાની આગાહી કરે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ચોમાસા પૂર્વે મે મહિનાના અંતમાં આબોહવાકીય ફેરફાર થતાં હોવાની સાથે પ્રેશર સિસ્ટમમાં પણ ફેરફાર થવાથી ભારે પવન ફુંકાઈ રહ્યા છે. આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.
સતત બીજા દિવસે આજે દિવસ દરમિયાન ૧૫ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ઝડપી પવનોની સાથે આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૯.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આગામી બે દિવસ વાતાવરણનો મિજાજ યથાવત્ રહેવા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. બીજી તરફ ખાનગી હવામાન સંસ્થાએ કેરળ તરફ ડેવલપ થઈ રહેલા સાયક્લોનને લઈને આજે વધુ એક વખત આગાહી કરી છે કે આ સાયક્લોન ૪-૫ તારીખની આસપાસ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવી શકે છે