Dadi Ratan Mohini death : બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ દાદી રતનમોહિનીનું અવસાન, 101 વર્ષની ઉંમરે અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
Dadi Ratan Mohini death: વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારીજની પ્રમુખ અને શ્રદ્ધાસ્પદ રાજયોગિની દાદી રતનમોહિનીજીનું નિધન થયું છે. તેઓએ સોમવારે મોડી રાત્રે 1:20 વાગ્યે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતાં અને સારવાર હેઠળ હતા. નિધન સમયે તેમની ઉમર 101 વર્ષ હતી.
તેમનો પાર્થિવ દેહ મંગળવારે સવારે રાજસ્થાનના આબુરોડ સ્થિત બ્રહ્માકુમારીજના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે, જ્યાં હજારો ભક્તો તેમને અંતિમ વિદાય આપશે. તેમના અંતિમ સંસ્કાર 10 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાંતિવનમાં જ કરવામાં આવશે.
2021થી સંસ્થાના વહિવટી વડા
દાદી રતનમોહિનીજી વર્ષ 2021થી બ્રહ્માકુમારી સંસ્થાના વહીવટી વડા તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓના નિધન અંગે સંસ્થાએ પોતાના અધિકૃત ફેસબુક પેજ પર માહિતી આપી છે. પોસ્ટમાં લખાયું છે:
“અમારી પરમ આદરણીય અને મમતા ભરેલી માતા સમાન રાજયોગિની દાદી રતનમોહિની, પોતાના અધ્યાત્મમય જીવન બાદ હવે સૂક્ષ્મ લોકમાં પ્રવેશી ગયાં છે. તેમની દિવ્ય ઉપસ્થિતિ અને શુદ્ધ કંપનોથી ભરેલાં સંદેશાઓ હંમેશાં આપણને પ્રેરણા આપતાં રહેશે. પ્રેમ, સાદગી અને ઊંચી દૃષ્ટિ તેમનો સૌથી મોટો વારસો છે, જે હંમેશા આપણાં હૃદયમાં જીવંત રહેશે.”
દાદી રતનમોહિનીજીના જીવન દરમ્યાન તેમની અધ્યાત્મસેવા અને તેમના માર્ગદર્શનથી લાખો લોકોએ શાંતિ, પ્રેમ અને આત્મિક વિકાસની અનુભૂતિ કરી હતી. તેઓનું અવસાન માત્ર બ્રહ્માકુમારી પરિવારમાં જ નહીં, પણ સમગ્ર આધ્યાત્મિક જગત માટે ભારે ખોટ છે.