સ્ટાઇલિશ મૂછવાળા દલિત યુવક સાથે થયેલી મારપીટની ઘટનાના વિરોધમાં દલિત યુવકોનું અનોખું કૅમ્પેન
સત્ય ડે અમદાવાદ : ગુજરાતમાં થોડા દિવસ પહેલાં દલિત યુવક સાથે કરવામાં આવેલી મારપીટના વિરોધમાં અમદાવાદ અને ગાંધીનગરના દલિત યુવાનોએ સોશ્યલ મીડિયામાં એક અનોખા પ્રકારના કૅમ્પેનની શરૂઆત કરી છે. આ કૅમ્પેન અંતર્ગત દલિત યુવાનો પોતાની મૂછોની સાથે સેલ્ફી પાડીને એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ફોટો-પોસ્ટમાં તેઓ ‘જાતિવાદના વિરોધમાં, પીયૂષભાઈના અને સંવિધાનના સમર્થનમાં’ એવી હૅશટૅગ આપી રહ્યા છે.
ગયા અઠવાડિયે ગુજરાતમાં પીયૂષ પરમાર નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી કે મેં સ્ટાઇલિશ મૂછ રાખી હોવાના કારણે અમુક લોકોએ મને માર માર્યો હતો. જોકે આ કૅમ્પેન શરૂ થયું ત્યાર બાદ કુણાલ મહેરિયા નામના દલિત યુવાન સાથે પણ સ્ટાઇલિશ મૂછ રાખવા બદલ કથિત મારપીટ કરવાનો મામલો સામે આવ્યો હતો. સિટી હોટેલના કૅશિયર જયેશ પરમારે ફેસબુક ઉપર લખ્યું હતું કે જાતિવાદી વિચારધારા ધરાવતા અમુક ઉપદ્રવી અને ગુનેગારો એક દલિત પણ સ્ટાઇલિશ મૂછ રાખી શકે છે અને મૂછોને તાવ દઈ શકે છે એ વાત સહન કરી શકતા નથી અને એટલે તેમણે ગાંધીનગરમાં દલિત સાથે મારપીટ કરી હતી.
મનીષ મંજુલા સિદ્ધાર્થે પણ સોશ્યલ મીડિયા પર પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘જાતિવાદ અમને મૂછ રાખવાનો અને એને તાવ દેવાનો અધિકાર નથી આપતો, પરંતુ દેશનું સંવિધાન અમને આમ કરવાની આઝાદી આપે છે. હું જાતિરહિત ભારતના સમર્થનમાં છું.’
અમદાવાદના સુબોધ પરમારે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું કે આ કૅમ્પેનથી સ્પષ્ટ થાય છે કે અમે કઈ રીતે જીવીએ અને શું પહેરીએ એ પસંદ કરવાથી અમને કોઈનો ડર નથી.