Deesa Blast News: ડીસા અગ્નિકાંડમાં ખુલાસો: શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા, પરિવારોમાં આક્રોશ
Deesa Blast News : ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 21 શ્રમિકોના કરૂણ મોત થયા બાદ હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધી ફેક્ટરી માત્ર ફટાકડાના ગોડાઉન તરીકે ઓળખાતી હતી, પરંતુ મૃતકોના પરિવારજનોના દાવા મુજબ, મધ્ય પ્રદેશમાંથી શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા.
મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા
રાજ્ય સરકાર દ્વારા જરૂરી તપાસ અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મધ્ય પ્રદેશના સિંઘલપુરના 18 શ્રમિકોના મૃતદેહો તેમના વતન મોકલાયા. મૃતકોના પરિવારોના આક્ષેપ છે કે, સરકારે જાણબુઝીને ગોડાઉન કહીને હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે હકીકતમાં ત્યાં ફટાકડાં અને વિસ્ફોટક બનાવવામાં આવતાં હતાં.
સૂત્રોનો ખુલાસો: નારોલમાંથી સપ્લાય થતું હતું એલ્યુમિનિયમ પાઉડર
આ મામલે વધુ એક ચોંકાવનારું નામ સામે આવ્યું છે. અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ‘અગ્રવાલ’ નામના વ્યક્તિ દ્વારા ફેક્ટરીમાં એલ્યુમિનિયમ પાઉડર મોકલવામાં આવતું હતું. સૂત્રોના દાવા મુજબ, કોઈ પણ સરકારની મંજૂરી વિના ધોળા દિવસે ફટાકડાં અને વિસ્ફોટક બનાવવાનું કામ ચાલતું હતું.
પરિવારજનોનો સરકાર પર આક્ષેપ
મૃતકોના પરિવારોને સરકાર પર ભરોસો નથી. પરિવારજનોનો ગંભીર આરોપ છે કે, તેમને મૃતદેહોની સોંપણી વિના જ બેદરકારીપૂર્વક મધ્ય પ્રદેશ મોકલી દેવાયા. આ સમાચાર મળતાં જ પરિવારજનો ભારે રોષ સાથે ડીસા સિવિલ હોસ્પિટલ સામે ન્યાયની માંગ કરી રહ્યા છે.