Deesa Fireworks Factory Blast: ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: 21 મોત, મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલાયા
Deesa Fireworks Factory Blast: બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં ભયંકર બ્લાસ્ટ થતા 21 લોકોના કરૂણ મોત થયા છે. આ દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારજનો મધ્ય પ્રદેશથી ડીસા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે આજે સવારે તમામ મૃતદેહો મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા.
ફેક્ટરી માલિક પિતા-પુત્રની ધરપકડ
ફટાકડા ફેક્ટરીમાં થયેલા આ વિસ્ફોટ બાદ પોલીસએ ફેક્ટરી માલિક ખુબચંદ મોહનાની અને તેના પુત્ર દિપક મોહનાનીની ધરપકડ કરી છે. એલસીબી ટીમે મંગળવારે બાપ-બેટાને પકડી પાડ્યા હતા. દિપક મોહનાની અગાઉ 2024માં અમદાવાદમાં IPL મેચ દરમિયાન લાઈવ સટ્ટો રમાડતો ઝડપાયો હતો. તે 31 માર્ચ 2024ના રોજ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પર સટ્ટો ચલાવતો હતો, જે દરમિયાન ઝોન-2 એલસીબી ટીમે તેને પ્રેસિડેન્ટ ગેલેરીમાંથી ઝડપી પાડ્યો હતો.
પ્રશાસનની કાર્યવાહી અને નિવેદનો
ડીસાના કલેક્ટર મિહિર પટેલે કહ્યું કે, મૃતદેહોની ઓળખની પ્રક્રિયા તેમના પરિવારજનોની હાજરીમાં પૂર્ણ કરાઈ હતી. મૃતકોના મોટા ભાગના પરિવારજનો મધ્ય પ્રદેશના દેવાસ અને હરદા જિલ્લામાં રહે છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ અને મધ્ય પ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ પણ ઘટના બાદ તાત્કાલિક પહોંચી ગયા હતા.
કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરી કે, આ દુર્ઘટનામાં બેદરકારી દાખવનાર લોકો સામે કડક કાર્યવાહી થશે. ઘટનાને ધ્યાનમાં રાખીને, ડીસા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો રાખેલા કોલ્ડરૂમ આસપાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મીડિયાને દૂર રાખવા બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનો માટે ભારે દુઃખદ ક્ષણો સર્જાતા, મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા.