DGVCL: સ્માર્ટ મીટરના નિયમોમાં બદલાવ: રિચાર્જની ઝંઝટ નહીં, જૂના ઘરોમાં પરંપરાગત બિલિંગ ચાલુ રહેશે!
- સ્માર્ટ મીટરના પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરાતા હવે ગ્રાહકોને સામાન્ય બિલિંગ સુવિધા ઉપલબ્ધ થશે
- નવા વિજ કનેક્શન અને સોલાર પેનલ ધરાવતાં ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરવામાં આવ્યું
સુરત, મંગળવાર
DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની) દ્વારા સ્માર્ટ મીટરના પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમને મરજિયાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉની આ યોજના હેઠળ, ગ્રાહકોને પ્રિ-પેઇડ રિચાર્જ કરાવવું પડતું હતું.અને બેલેન્સ પૂર્ણ થતા વિજળી કનેક્શન આપમેળે કપાઈ જતું હતું. આ સિસ્ટમના કારણે લોકોમાં વિરોધ ઊભો થતા કંપનીએ હાલ આ સિસ્ટમ રદ કરી છે. હવે સ્માર્ટ મીટર ધરાવનાર ગ્રાહકો પણ મહિનાના અંતે સામાન્ય રીતે બિલ ભરી શકશે.
DGVCL કંપનીએ અત્યાર સુધીમાં 48,000થી વધુ સ્માર્ટ મીટર ફિટ કર્યા છે, જેમાં 37,798 ઘરો, 8,276 દુકાનો, 1,825 સરકારી કચેરીઓ અને 145 ઉદ્યોગોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને નવા વિજ કનેક્શન અને સોલાર પેનલ ધરાવતાં ઘરોમાં સ્માર્ટ મીટર ફરજિયાત કરાયું છે. મીટરના ઉપયોગ અને બિલની માહિતી ગ્રાહકો તેમના મોબાઇલ પર જોઈ શકે છે. બિલ ભરવાની સુવિધા ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે.
ઊર્જા મંત્રીના ઘરથી શરૂ થશે ઝૂંબેશ
નવેમ્બર મહિનાના અંતમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવવાથી આ ઝૂંબેશને નવી શરૂઆત મળી છે. સ્માર્ટ મીટરની સ્થાપનાની પહેલી ઝૂંબેશ દરમિયાન ગ્રાહકો દ્વારા વિજ બિલ વધુ આવતા હોવાની ફરિયાદો થઈ હતી. જો કે, કંપનીના જણાવ્યા અનુસાર, વધુ બિલના તમામ આક્ષેપો ખોટા સાબિત થયા છે. તમામ બિલો વપરાશ મુજબ જ તૈયાર થયા છે, અને નવા રાઉન્ડમાં કોઈ ગ્રાહકે વધારાના બિલ અંગે ફરિયાદ કરી નથી.
વિરોધ છતાં પ્રોજેક્ટ આગળ વધ્યો
હાલ ડીજીવીસીએલએ નવી અરજીઓ માટે પ્રિ-પેઇડ સિસ્ટમને બદલે સામાન્ય બિલિંગ મોડલ અપનાવ્યું છે. આ સાથે નવા ઘરોમાં સ્માર્ટ મીટરની સ્થાપના સતત ચાલી રહી છે. સ્માર્ટ મીટરની ખાસિયત એ છે કે તે વપરાશના ચોક્કસ આંકડા આપે છે અને વીજળી વ્યવસ્થામાં પારદર્શકતા લાવે છે. વીજ કંપનીના આ પગલાંથી વિકાસ સાથે ગ્રાહકોની સુવિધા અને રજુઆતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.