Dharampur: ધરમપુર શહેરના સમડીચોકમાં રાજાશાહી સમયની હોળીની પરંપરા આજે પણ જીવંત
200 વર્ષ જુની રાજાશાહી હોળી ધરમપુર શહેરમાં હજી પણ જીવિત
– સમડીચોકના યુવાઓએ નિભાવી પરંપરા
Dharampur: ધરમપુરમાં રાજાશાહી સમયની હોળીની પરંપરા આજે પણ જીવંત રહી છે. રાજવી કાળમાં રાજવી પરિવાર તરફથી અત્રેના સમડીચોક ખાતે તે સમયના સમડીના વૃક્ષની બાજુમાં હોળી પ્રગટાવવામાં આવતી હતી. આજ સ્થાને આજે પણ હોળીમાતાની પૂજા કરાઈ હતી. રાજાશાહી સમયે આ હોળી પ્રગટ્યા બાદ જ તેના અંગારા વડે અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવતી હતી. જે પરંપરા આજે પણ સમડીચોકના યુવાનોએ નિભાવી રાખી છે. અને પરંપરા અનુસાર સમડીચોક ખાતેની હોળી પ્રગટ્યા બાદ અહીંથી અગ્નિ લઇ જઇ નગરમાં અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે.
હોળી માટે ઊંચા વાંસનો સ્તંભ ઊભો કરવામાં આવે છે. હોળી પ્રગટ થયા બાદ એની જવાળા ઉપરથી કેટલી ગરમી પડશે તેનું અને વાંસ જે તરફ પડે એના ઉપરથી ક્યારે,કેટલો વરસાદ પડશે એનું સચોટ અનુમાન રાજવી કાળથી લગાડવામાં આવે છે. જે સાચો પણ પડે છે.
હોળી પ્રગટ્યા બાદ નીચે પડેલા વાંસની નાની ટુકડીઓ તોડીને લોકો ઘરે પશુઓને માંદગી નહીં આવે તે માટે લઈ જાય છે. વાંસના સ્તંભમાં ચાર કાચની લીલી બંગડીઓ, મંગળસૂત્ર, ચાંલ્લો, કાંસકી, અરીસાને ચૂંદડીમાં બાંધી હોળીની અંદર મુકવામાં આવે છે. અને એક મોટી ચૂંદડી બહાર બાંધવામાં આવે છે.