Dharampur: ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા
Dharampur: મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખી મંડળની બહેનોને આર્થિક રીતે ધિરાણ પુરી પાડી સ્વનિર્ભર બનાવવામાં આવી રહી છે. સખી મંડળની બહેનો પણ નાણાકીય સહાય મળતા ગૃહ ઉદ્યોગમાં પાપડ, અથાણા, ભરતગૂથણ, રેક્ઝિનની બેગ બનાવવી કે પછી અન્ય કોઈ ધંધો શરૂ કરતી હોય છે પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના નવયુગ સખી મંડળની બહેનોએ બીજી બધી બહેનો કરતા જરા હટકે વિચાર કરી સરકાર દ્વારા મળતા ધિરાણમાંથી કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવાને બદલે દેશી ગાય ખરીદી પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગામે ગામ રહેતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે
સખી મંડળની પહેલ કરી બહેનોને વિકાસની રાહમાં સહભાગી બનાવી હતી. જેના ફળ સ્વરૂપે આજે એક ગામ એવુ બાકી નથી રહ્યું કે, જ્યાં સખી મંડળ અસ્તિત્વમાં ન હોય. સખી મંડળની બહેનોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ખોબે ખોબે આર્થિક સહાય વખતો વખત આપવામાં આવી રહી છે. જે સહાયનો ઉપયોગ કરી બહેનો પોતાના સપના સાકાર કરી આકાશને આંબી રહી છે. આવુ જ એક સખી મંડળ ધરમપુર તાલુકાના ભાંભા ગામનું નવયુગ સખી મંડળ છે. જેની બહેનોએ અન્ય સખી મંડળની બહેનોને પણ નવી રાહ ચીંધી છે.
આ મંડળના સભ્ય અને પ્રાકૃતિક ખેતી કરનાર
સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ જણાવે છે કે, પહેલા અમે વધુ નફાની લાલચમાં રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા પરંતુ તેના કારણે જમીનને પણ નુકશાન થતુ હતુ અને સ્વાસ્થ્યપ્રદ પાક પણ મળતો ન હતો. તે સમયે પ્રાકૃતિક ખેતી વિશે પૂરતી માહિતી ન હતી. ચાર વર્ષ પહેલા બરૂમાળ ગામમાં સુભાષ પાલેકર ખેતીની તાલીમમાં ભાગ લેતા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાયુ હતુ. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવાની ઈચ્છા થઈ પરંતુ ઘરે દેશી ગાય ન હતી. સખી મંડળ દ્વારા આર્થિક મદદ મળતા દેશી ગાય ખરીદી હતી. આ સિવાય આત્મા પ્રોજેક્ટ દ્વારા તાલીમ આપવામાં આવી અને ખેતીવાડીમાં ઉપયોગ માટે એક પીપ, બે તગારું, એક ડોલ અને ઘાસ કાપવાનું મશીન વિના મૂલ્યે આપવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા અમારા સખી મંડળને શરૂઆતમાં પાંચ હજાર મળ્યા હતા
ત્યારબાદ રૂ. ૫૦ હજાર મળ્યા હતા જે બહેનોએ વહેંચી લઈ દેશી ગાય ખરીદી હતી. હવે છાણીયુ ખાતર અને ગૌમૂત્ર ભેગુ કરી સાથે જીવામૃત અને ઘન જીવામૃત બનાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. વર્ષો સુધી રાસાયણિક ખાતરથી કરેલી ખેતીની તુલનાએ પ્રાકૃતિક ખેતી આરોગ્યપ્રદ અને પરોપકારી હોવાનો અનુભવ થયો છે. શરૂઆતમાં ઉત્પાદન ઠીક હતુ પરંતુ હવે ઉત્પાદન પણ સારૂ થાય છે. આવકની વાત કરીએ તો, હાલમાં ભીંડા અને ડાંગરની ખેતી એક એકર જમીનમાં કરી છે. જેમાંથી દર બીજા ત્રીજા દિવસે છ મણ ભીંડાનો મબલખ પાક થકી મહિને રૂ. ૪૫ હજારની આવક મળે છે. જેનાથી જીવન ધોરણ પણ બદલાયું છે. જે બદલ હું રાજ્ય સરકારનો આભાર માનુ છું.
આ જ સખી મંડળના અન્ય એક બહેન બબલીબેન બાબુભાઈ પટેલે જણાવ્યું કે, અમે સિઝન પ્રમાણે ખેતી કરીએ છીએ, શિયાળામાં વેગણ – ટામેટાની ખેતી કરીએ છે. ત્યારબાદ દૂધીની ખેતી કરી હતી. હાલમાં ડાંગરની પ્રાકૃતિ ખેતી કરીએ છે. પ્રાકૃતિક ખેતીથી ઉગલો પાક કે શાકભાજી એટલી પૌષ્ટિક અને શુધ્ધ હોય છે કે, તેના પાકની ડિમાન્ડ પણ વધુ રહે છે. પાક ઉતરે એટલે બજારમાં વેચાણ માટે જવાની પણ જરૂર પડતી નથી. ઘર બેઠા લોકો આવીને પ્રાકૃતિક ખેતીની ખેતપેદાશ ખરીદી જાય છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને બહેનોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની તાલીમ તેમજ પ્રાકૃતિક ખેતીના છ આધારસ્તંભ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. જેનાથી સમૃધ્ધ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
સખી મંડળના અન્ય એક બહેન ભારતીબેન અશોકભાઈ પટેલે જણાવ્યું કે,
ખેડૂતના મિત્ર તરીકે જાણીતા અળસિયા પહેલા ઝેરયુક્ત રાસાયણિક ખેતીમાં જોવા મળતા ન હતા કારણ કે, કેમિકલ યુક્ત ખાતર અને જંતુનાશક દવાથી અળસિયા મરી જતા હતા પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં હવે અસંખ્ય અળસિયા જોવા મળે છે. જેનાથી જમીન પણ ફળદ્રુપ બની છે. અમારા મંડળની મોટા ભાગની બહેનોએ પ્રાકૃતિક ખેતીમાં ઝંપલાવ્યુ છે તો કેટલીક બહેનો સખી મંડળ દ્વારા પશુપાલનનો પણ વ્યવસાય કરી આત્મનિર્ભર બની રહી છે. જે બદલ રાજ્ય સરકારનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરીએ છે.