Diamond Workers Strike : સુરતમાં 30 માર્ચે રત્નકલાકારોની હડતાલ: એકતા રેલી અને ઉદ્યોગ બંધનું એલાન
Diamond Workers Strike : સુરતમાં હીરા ઉદ્યોગના રત્નકલાકારોની પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. નોટબંધી અને કોરોના કાળ પછી અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે, જેના કારણે કેટલાક રત્નકલાકારોને જીવન ટાળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સરકાર દ્વારા ઘણી રજૂઆતો બાદ પણ કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેથી 30 માર્ચે હડતાલ અને એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના હીરા માર્કેટ અને કારખાનાઓમાં હડતાલની તૈયારી
સુરતના કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધી “રત્નકલાકાર એકતા રેલી”નું આયોજન કરાયું છે. હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે અને ઢોલ વગાડી રત્નકલાકારોને હડતાલમાં જોડાવા અપીલ કરી રહ્યું છે. ડાયમંડ વર્કર યુનિયને પણ રત્નકલાકારોને એકસાથે આવવા અને આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી છે.
સાંસદે સંસદમાં રત્નકલાકારોની સમસ્યા ઉઠાવી
સુરતના સાંસદ મુકેશ દલાલે સંસદમાં રત્નકલાકારોની દયનીય પરિસ્થિતિ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, સુરત ડાયમંડ ઉદ્યોગનું હબ છે, પરંતુ હાલની મંદીના કારણે 20-25 લાખ રત્નકલાકારો બેરોજગારીની કગાર પર છે. તેમણે રાજ્ય સરકારને રત્નકલાકારો માટે રિવ્યુ કમિટી બનાવવાની અને તાત્કાલિક આર્થિક સહાય જાહેર કરવાની વિનંતી કરી.
સોશિયલ મીડિયામાં એકતા રેલી માટે અપીલ
હડતાલમાં વધુમાં વધુ લોકો જોડાય એ માટે સોશિયલ મીડિયામાં રત્નકલાકારોને જોડાવાની અપીલ કરવામાં આવી છે. કેટલાક રત્નકલાકારોનો મત છે કે એક દિવસની હડતાલ નહીં, પરંતુ જરૂર પડે તો 10 દિવસની હડતાલ કરવાની જરૂર છે, જેથી સરકાર અને ઉદ્યોગકારો તેમની પરિસ્થિતિને ગંભીરતાથી લે.
રત્નકલાકારોની મુખ્ય માંગણીઓ
રત્નકલાકાર કલ્યાણ બોર્ડ – રત્નકલાકારો માટે એક સંસ્થા રચવી.
આર્થિક પેકેજ – રત્નકલાકારોને આર્થિક સહાયની જાહેરાત.
પગાર વધારો – મોંઘવારીને ધ્યાનમાં રાખીને 30% પગાર વધારો.
મજુર કાયદાનું પાલન – હીરા ઉદ્યોગમાં મજૂર હકોની સુરક્ષા.
વ્યવસાય વેરો રદ – રત્નકલાકારો પર લાગતા કર રદ કરવા.
આપઘાત કરનારા માટે સહાય – આત્મહત્યા કરનારા પરિવારોને આર્થિક સહાય.
ડાયમંડ વર્કર યુનિયને ચેતવણી આપી છે કે જો સરકાર સમયસર યોગ્ય નિર્ણય નહીં કરે, તો આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલની પરિસ્થિતિમાં, સુરતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે.