Dharampur: જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઇ પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં સિકલસેલ સ્ક્રિનિંગનો મેગા કેમ્પ યોજાયો
વિશ્વ સિકલસેલ દિવસ” ૧૯ જુન ૨૦૨૪ની સમગ્ર દેશમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી તરફ લઇ જવાના ધ્યેય સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતેની એસ.એમ.એસ.એમ. હાઇસ્કુલ ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ અને સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિકલસેલ રોગના દર્દીઓ માટે મેગા કેમ્પનું આયોજન કરી આશરે ૫૦૦૦ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,
વર્ષ ૨૦૪૭ સુધી સિકલ સેલ એનિમિયા નાબુદી માટે સરકાર અનેક કાર્યો કરી રહી છે. સિકલ સેલ રોગ માટે જરૂરી તકેદારીઓ લેવામાં આવી રહી છે. વિનામુલ્યે સારવાર અને જરૂરિયાતના સમયે વિનામુલ્યે લોહી પણ આપવામાં આવે છે.
કાર્યક્રમમાં સાંસદશ્રી ધવલ પટેલે જણાવ્યું હતું કે, સરકાર આદિવાસીઓના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે આદિવાસીઓને કેન્દ્રમાં રાખી કાર્યો કરી રહી છે. પહેલા આદિવાસીઓ માટે બજેટમાં જે જોગવાઈઓ હતી તેના કરતા હવે વર્ષ ૨૦૦૧ બાદથી પંચવર્ષીય બજેટમાં અનેકઘણો વધારો કરી કાર્યો કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૧ બાદ બજેટમાં આદિવાસી વિકાસ માટે ૧૫૦૦૦ કરોડ, ત્યારબાદ ૪૫૦૦૦ કરોડ અને હવેના બજેટમાં ૧ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી આદિવાસીઓના વિકાસ માટે દર વર્ષે સરકાર વિકાસ કાર્યો કરવા જઈ રહી છવધુમાં સાંસદશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આદિવાસીઓમાં સિકલ સેલ રોગના વધવાથી ચિંતિત હતા તેથી જ ગત વર્ષે વડાપ્રધાનશ્રી દ્વારા દેશનાં ૧૭ રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમ ૨૦૪૭ નો પ્રાંરભ ગત વર્ષે કરાવવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૦૬માં આરોગ્ય વિભાગમાં અલગથી સિકલ સેલ નાબુદી વિભાગની શરૂઆત પણ કરવામાં આવી હતી.
તેથી હવે સિકલ સેલ સ્ક્રીનિંગ – મોનિટરીંગની શરૂઆત પણ થઈ છે. વિનામુલ્યે નિદાન પણ કરવામાં આવે છે. આયુષ્યમાન યોજના હેઠળ સિકલ સેલને આવરી લેવામાં આવ્યો હોવાથી વિનામુલ્યે સારવાર પણ મળે છે. પહેલા સિકલ સેલના દર્દીઓને દર મહિને રૂ.૫૦૦/-ની સહાય મળતી હતી જે આ સરકારે પાંચઘણી વધારી મહિને રૂ.૨૫૦૦/- આપવાની શરૂઆત કરી છે.
સિકલ સેલ નાબુદી ઝુંબેશ અંગે જણાવતા સાંસદએ જણાવ્યું હતું કે,
તા.૧૯ જૂનથી તા.૦૩ જુલાઈ,૨૦૨૪ સુધી ચાલનારી આ ઝુંબેશમાં સમગ્ર દેશમાંથી ૭ કરોડ જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવાનું ધ્યેય છે, જેમાં અત્યાર સુધી એક કરોડથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરી દેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં પણ અત્યાર સુધી ૧૨,૨૦,૫૯૮ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાં ૨૫૭૩ જેટલા સિકલ સેલના દર્દીઓ મળી આવ્યા છે અને ૫૯,૮૧૬ જેટલા સિકલ સેલના વાહકો નોંધાયા છે. સિકલ સેલને જડથી નાબુદ કરવાનો છે તેથી દરેક યુવાઓ આ રોગ અંગે વધુમાં વધુ માહિતી ફેલાવી લોકોને જાગૃત કરે અને લોકો આ રોગની ગંભીરતા સમજી સમયસર સ્ક્રીનિંગ અને મોનિટરીંગ કરાવી સારવાર લેવા માટે સાંસદશ્રીએ અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સિકલ સેલ સંશોધક પદ્મશ્રી ડૉ. યઝદી ઈટાલિયા દ્વારા
લોકોને સિકલ સેલ રોગ અંગેની જાણકારી, સિકલસેલ રોગનાં લક્ષણો, નિદાન, સારવાર અને દર્દીઓએ રાખવાની તકેદારી અંગે સમજણ આપવામાં આવી હતી. સિકલસેલ રોગ એક આનુવંશિક રોગ છે. જે આદિજાતિનાં લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આ રોગનાં કારણે સિકલસેલ દર્દીનાં જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતા વધારે તકલીફ પડતી હોય છે એમ જણાવ્યું હતું. વધુમાં આ કેમ્પમાં સિકલસેલ ટ્રેઇટ છે તેવા લોકોને લગ્ન પહેલાં ખાસ પરામર્શથી આ રોગ આગામી પેઢીમાં ના પ્રસરે તે માટે ખાસ માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આયોજિત કેમ્પમાં આ ઉપરાંત એન.સી.ડી. સ્ક્રિનીંગ, ટી.બી સ્ક્રિનીંગ તેમજ પી.એમ.જે.એ.વાય કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સિકલસેલ દર્દીઓને સિકલ સેલ સિમ્બોલિક કાર્ડ, જિલ્લાના ૨૫૭૩ દર્દીઓ વતી રૂ.૨૫૦૦/-ની સહાયનો ચેક અને સિકલ સેલ એનિમિયા નિયંત્રણના કાઉન્સિલરોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર
અને સ્ટેટ એપિડેમિક ઓફિસર ડો. સ્વપ્નિલ શાહે દ્વારા સિકલ સેલ રોગની ગંભીરતા, રોગ નિદાનની જરૂરિયાત અને રોગ નાબુદી ઝુંબેશ વિશે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
સિકલ સેલ નાબૂદી માટે તા. ૧૯ જુનથી ૩ જુલાઇ સુધી ચાલનારી આ ઝુંબેશમાં જિલ્લાનાં વધુમાં વધુ આદિજાતિનાં લોકો ભાગ લઇ સિકલસેલની તપાસ કરાવે અને ભાવિ પેઢીમાં સિકલસેલ રોગ અટકે એ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિપુલ ગામીત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અનસૂયા ઝા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાજ ચપલોત, જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ શ્રીમતી બ્રિજના પટેલ, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન શ્રીમતી કલ્પના પટેલ, ધરમપુર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, વિભાગીય નાયબ નિયામક આરોગ્ય ડો. જ્યોતિ ગુપ્તા, તાલુકા હેલ્થ ઓફિસર ડો જિજ્ઞેશ માહલા, આરોગ્ય વિભાગના અધિકારી – કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.